અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા.22: સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાંથી લુટેરી દુલ્હનને પોલીસે ઝડપી પાડી હતી. પોલીસે પૂછપરછ કરતા જણાવ્યું હતું કે સુરત, કચ્છના પૂર્વ ગાંધીધામ રાપર, સોરાષ્ટ્રના અમરેલી અને મુંબઈના કુલ પાંચ જેટલા યુવાનોને છેતર્યા છે. આજે એક વર્ષ બાદ લુટેરી ગેંગની લુટેરી દુલ્હન મૂળ ઔરંગાબાદના માળીવાડા અને હાલ બિલીમોરામાં રહેતી સ્વાતી ગણેશભાઈ હિવરાળેને પોલીસે ઝડપી લીધી હતી.
સુરતમાં એક વર્ષ અગાઉ કર્ણાટકના વેપારીને અંકિતને લગ્નના નામે સુરત બોલાવી રૂ. 1.96 લાખ પડાવી કારમાંથી વોશરૂમના બહાને ભાગી ગઇ હતી. અંકિત જૈન પાસે દુલ્હન સ્વાતિનો ભાઈ હિતેશે રોકડા રૂપિયા 1.50 લાખ પડાવી લીધા હતા તેમજ લગ્ન કરાવનાર દલાલ સતિષ પટેલને દલાલીના 15 હજાર ચૂકવ્યા હતા. તેમજ અંકિતની માતાએ દુલ્હન સ્વાતિને કિમતી જ્વેલરી અને સાડી પણ ભેટ આપી હતી. આ ઉપરાંત કચ્છ રાપરમાં 2022માં તેની સામે લગ્નના નામે રૂપિયા 1.80 લાખની છેતરાપિંડીનો ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત અમરેલી, મુંબઈના યુવકોને પણ લગ્નની જાળમાં ફસાવ્યા હતા. લગ્ન વખતે સ્વાતિ જેણે ભાઈ ગણાવ્યો હતો તે હિતેશ ત્રિવેદી હકીકતમાં તેનો ભાઈ ન હોવાનું બહાર આવ્યું છે. તેમજ અન્ય એક મહિલા પણ દલાલ સતિષ પટેલની પત્ની હોવાની વાત બોગસ નીકળી હતી. આમ અનેક યુવકોને ફસાવી ડમી સંબંધીઓ પણ ઊભા કરી કાવતરૂ ઘડીને છેતરતા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.