બોટાદની R.N. કળથિયા સ્કૂલમાંથી ગેરકાયદે મિની પેટ્રોલ પમ્પ ઝડપાયો

બોટાદની R.N. કળથિયા સ્કૂલમાંથી ગેરકાયદે મિની પેટ્રોલ પમ્પ ઝડપાયો
મામલતદાર-પુરવઠા અધિકારીએ દોડી જઈ 2700 લીટર ડીઝલ સીઝ કર્યું: એફએસએલ માટે સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા
બોટાદ, તા.22: બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલી આર. એન. કળથિયા સ્કૂલમાં આશરે 2000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. અહીંયા વિદ્યાર્થીઓને લેવા અને મૂકવા માટે સ્કૂલ બસની વ્યવસ્થા પણ છે. આ સ્કૂલ બસમાં ડીઝલ ભરવા માટે સ્કૂલ પાસે ગેરકાયદેસર રીતે અને મંજૂરી વગર સંચાલકો દ્વારા એક મિની પેટ્રોલ પંપ ઉભો કરી દેવામાં આવ્યો હતો. જે અંગેની જાણ બોટાદ મામલતદારને થતા પુરવઠાની ટીમ સાથે સ્કૂલ ખાતે દોડી ગયા હતા. તપાસ હાથ ધરતા આશરે 8000 લીટર ડીઝલનો સંગ્રહ કરી શકાય તે મુજબની ટેન્ક તેમજ ભૂગર્ભમાં એક ટેન્ક સાથે ડીઝલ ભરવાના 2 બેરલ સાથે ડીઝલ પમ્પ મળી આવ્યો હતો.
સંપૂર્ણ તપાસ કરતા મામલતદારે જણાવ્યું હતું કે, આશરે 2700 લીટર ડીઝલનો જથ્થો ઝડપાયો હતો પરંતુ આ ડીઝલ છે કે બાયોડીઝલ તેની તપાસ માટે નમૂના એફ.એસ.એલ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. આ ડીઝલ રાખવામાં માટે કોઈ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હોવાથી તમામ ડીઝલ ટેન્ક અને પમ્પને સીલ મારવામાં આવ્યાં છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓની પણ પરવાહ કર્યા વગર શાળા સંચાલકે પોતાના લાભ માટે ગેરકાયદેસર રીતે ડીઝલ એકત્રિત કરવાનો ગોરખ ધંધો આદર્યો હતો. આ શાળા સંચાલક વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પણ માગ ઘણા વાલીઓ કરી રહ્યા છે. બીજી તરફ આર.એ.કળથિયા સ્કૂલના ટ્રસ્ટી જયંતીભાઈએ લુલો બચાવ કરતા જણાવ્યું હતુ કે, શાળામાં એસી હોય તેના માટે ડીઝલનો વપરાશ હોય એના માટે જથ્થો રાખવામાં આવ્યો છે. શાળાના કેમ્પસમાં બસમાં ડીઝલ ભરવા માટેનો સમય પણ મૂકવામાં આવ્યો હોવાની બાબતનો ટ્રસ્ટી દ્વારા અસ્વીકાર કરી હકીકત છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer