ભત્રીજાની માથાકૂટમાં સમજાવવા જતાં ધિંગાણું ખેલાયું: ચારને ઇજા: મહિલા સહિત છ સામે ગુનો
વઢવાણ, તા. 22: અહીંની સુરસાગર ડેરી પાસે પૈસાની લેતીદેતીના કારણે કમલેશભાઈ ઉર્ફે ચકાભાઈ ગાંડાભાઈ પનારા નામના યુવાનની હત્યા થઈ હતી. ભત્રીજાને મિત્રો સાથે માથાકૂટ થયા બાદ સમજાવવા જતાં ધિંગાણું ખેલાયું હતું. જેમાં ચારને ઇજા થઈ હતી. મહિલા સહિત છ સામે ગુનો નોંધાયો હતો.
આ હત્યાના બનાવ અંગે માઈ મંદિર રોડ પર દવાખાના પાસે રહેતા ભરતભાઈ ગાંડાભાઈ પનારાએ નોંધાવેલી ફરિયાદમાં એવું જણાવ્યું હતું કે, તેનો ભત્રીજો સંજય તેના મિત્ર ભાવિન સોમાભાઈ પાસે પૈસા માગતો હતો. આ પૈસાની લેતીદેતીનાં કારણે માથાકૂટ થઈ હતી અને સંજય પર છરીથી હુમલો કરાયો હતો. સંજયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે સૂરસાગર ડેરી પાસે મફતિયાપરામાં રહેતા ભાવિન સોમાભાઈને સમજાવવા માટે તે તથા તેના કાકા કમલેશભાઈ ઉર્ફે ચકાભાઈ પનારા વગેરે સમજાવવા માટે ગયા હતા. આ સમયે ભાવિન, રવિ ઉર્ફે ટકો, રાહુલ ઉર્ફે ભાણો કોળી, દશરથ સોમાભાઈ કોળી, મરઘાબહેન સોમાભાઈ અને એક અજાણી મહિલાએ છરી, ધારિયા, પાઇપ અને ધોકાથી હુમલો કર્યો હતો. જેમાં કમલેશભાઈ ઉર્ફે ચકાભાઈ પનારાને ગંભીર ઇજા થઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો જ્યારે તેને તથા વિપુલ, વિનોદ સહિત ચારને ઇજા થઈ હતી. આ બનાવની જાણ થતાં હોસ્પિટલ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને આરોપીઓની તાકીદે ધરપકડ કરવાની માગણી કરી હતી. આ ઘટના અંગે સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
સુરેન્દ્રનગરમાં પૈસાની લેતીદેતીમાં યુવાનની હત્યા
