બાગી નેતાઓની પહેલી પસંદ ભાજપ

બાગી નેતાઓની પહેલી પસંદ ભાજપ
નવી દિલ્હી, તા. 22: પહેલાં કર્ણાટક, પછી મધ્યપ્રદેશ અને હવે મહારાષ્ટ્રમાં વિધાયકોની બગાવતની રમત શરૂ થઈ છે. શિવસેના વિધાયક અને ઉદ્ધવ સરકારમાં મંત્રી એકનાથ શિંદેએ બાગી તેવર અપનાવતા મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર ઉપર સંકટ આવ્યું છે. કહેવાય છે કે એકનાથ શિંદે ભાજપના સંપર્કમાં છે. શિંદે દાવો કરી રહ્યા છે કે તેઓની પાસે 40થી વધારે વિધાયક છે. જો આ તમામ ભાજપ પાસે જશે તો ભાજપની સરકાર બનશે. હકીકતમાં બાગી નેતાઓની પહેલી પસંદ ભાજપ રહ્યો છે. આંકડા બતાવે છે કે છેલ્લાં પાંચ વર્ષમં 405 વિધાયકે પોતાનો પક્ષ છોડયો છે અને તેમાંથી અંદાજિત 45 ટકા વિધાયક ભાજપમાં જોડાયા છે.
એડીઆરના રિપોર્ટમાં 2016થી 2020 સુધી પાંચ વર્ષમાં પક્ષ છોડીને બીજા પક્ષમાં સામેલ થનારા વિધાયકનું વિવરણ કરવામાં આવ્યું છે. એડીઆરનો રિપોર્ટ ગયા વર્ષે માર્ચ મહિનામાં સામે આવ્યો હતો. રિપોર્ટ મુજબ પક્ષ છોડનારા 405માંથી 38 એટલે કે 9.4 ટકા વિધાયક કોંગ્રેસમાં જોડાયા હતા. 25 ટીઆરએસમાં અને 16 ટીએમસીમાં જોડાયા હતા. 16 વિધાયક એનપીપીમાં, 14 જેડીયુમાં, 11-11 વિધાયક બસપા અને ટીડીપીમાં જોડાયા હતા. બગાવતનો સૌથી મોટો ફટકો કોંગ્રેસને પડયો છે. કોંગ્રેસના 170 વિધાયકે પાંચ વર્ષમાં પક્ષ છોડયો છે જ્યારે ભાજપના 18 વિધાયક, બીએસપી અને ટીડીએસના 17-17 વિધાયકોએ પોતાનો પક્ષ છોડયો હતો.
એડીઆર મુજબ 2016થી 2020 વચ્ચે 357 વિધાયક એવા હતા જેઓએ પક્ષ બદલીને વિધાનસભા ચૂંટણી લડી હતી. જેમાંથી 170 એટલે કે 48 ટકા જ જીતી શક્યા હતા જ્યારે 48 વિધાયક એવા હતા જેણે પેટાચૂંટણીમાં જંપલાવ્યું હતું અને તેમાંથી 39 એટલે કે 81 ટકા ચૂંટણી જીત્યા હતા. આ ઉપરાંત 2016થી 2020માં લોકસભાના 12 અને રાજ્યસભાના 16 સાંસદે પક્ષ છોડયો છે. ભાજપના પાંચ લોકસભા સાંસદો અને કોંગ્રેસના 7 રાજ્યસભા સાંસદોએ પક્ષ છોડયો હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer