તમામ શનિ-રવિવારે રજા સહિતની માગ સાથે ર7મીએ બેંક કર્મચારીઓની હડતાળ

નવી પેન્શન યોજના નાબૂદ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવા માગ :  બેંક સતત ત્રણ દિવસ બંધ રહેતા કરોડોના વ્યવહારો ખોરવાશે

રાજકોટ, તા. 22: રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ વિવિધ માગણી સબબ હડતાળ કરી રહ્યા છે. આગામી તારીખ ર7મી જૂનના રોજ ફરી એક વખત હડતાળ પર ઉતરવાનું એલાન કર્યું છે.
ગુજરાત બેંક વર્કર્સ યુનિયન દ્વારા જણાવાયું છે કે યુએફબીયુના આદેશ અનુસાર બેંકમાં પાંચ દિવસનું અઠવાડિયું, તમામ શનિ-રવિવારની રજા, પેન્શન અપડેશન અને પેન્શનના નિયમોમાં અપડેશનની જોગવાઈ, નવી પેન્શન યોજના નાબૂદ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતની માગ સાથે બેંક હડતાળ કરવાનું એલાન કરાયું છે.
ઉલ્લેખનીય છે કે તારીખ રપ જૂનના રોજ મહિનાનો ચોથો શનિવાર, ર6 જૂનના રોજ રવિવારની રજા અને ર7મી જૂનના રોજ સોમવારે હડતાલને કારણે સતત ત્રણ દિવસ બેંક બંધ હોવાને કારણે કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો ખોરવાશે.
બેંક વર્કર્સ યુનિયને જણાવ્યું છે કે પાંચ દિવસના બેન્કિંગ અંગે વિચારવામાં આવશે એવી સમજૂતી થયાને બાર વર્ષ વિતી ગયા પરંતુ આઈબીએ અને સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ મળેલ નથી. પેન્શનની વિસંગતતા અંગે જણાવ્યું હતું કે 1986માં નિવૃત્ત થયેલ બેંકના જનરલ મેનેજરને 2022માં નિવૃત્ત થનાર ક્લાર્ક કે પટ્ટાવાળા જેટલું પેન્શન મળે છે. ઉપરાંત જૂની પેન્શન યોજના લાગુ કરવાની પણ માગ છે.
ર1મીના રોજ સમાધાનના પ્રયાસ અંતર્ગત થયેલી વાટાઘાટ નિષ્ફળ જતા હડતાળ નિશ્ચિત હોવાનું જણાવાયું છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer