સલાલા બંદરથી જૂનાં વાહનો ભરી યમન જઈ રહેલાં ‘રાજ સાગર’ વહાણની ઓમાનના દરિયામાં

જળસમાધિ, કેપ્ટન અને એક ક્રૂ મેમ્બરનું મૃત્યુ
 
પોરબંદર, તા.22: (ફૂલછાબ ન્યુઝ) પોરબંદરનાં ‘રાજ સાગર’ નામનાં માલવાહક વહાણે ઓમાનના દરિયામાં જળસમાધિ લેતા વહાણના કેપ્ટન અને એક ક્રૂ મેમ્બરનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય 8 ખલાસીને સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. જળસમાધિ લેનાર વહાણ સલાલા બંદરથી જૂનાં વાહનો ભરી યમન જઈ રહ્યું હતું.
પોરબંદરના રાજ સાગર નામનું વહાણ ઓમાનના સલાલાથી 22 નોટિકલ માઇલ દૂર પહોંચ્યા બાદ દરિયામાં ડૂબવાની ઘટના સામે આવી છે. જળસમાધિ લેનારા વહાણ રાજ સાગર બે-ચાર દિવસ પહેલા જ 10 ક્રૂ મેમ્બરો સાથે દુબઈથી જૂનાં વાહનો ભરીને યમન જવા નીકળ્યું હતું. આ વહાણ ગત મોડીરાત્રીના ચાર વાગ્યાના અરસામાં ઓમાનના સલાલાથી 22 નોટિકલ માઇલ દૂર જળ સમાધી લીધી હતી. વહાણ ડૂબતા કેપ્ટન તથા અન્ય એક ક્રૂ મેમ્બર મળી બે વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં હતાં જ્યારે અન્ય 8 વ્યક્તિને સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. વહાણે જળ સમાધિ લીધા બાદ વાહનોનો કાટમાળ અને ગાડીઓ મીરબાટ બંદર નજીક તણાઈ આવી હતી.
ઓમાનના દરિયામાં ડૂબી ગયેલું રાજસાગર વહાણ પોરબંદર ખારવા સમાજના આગેવાન ઇકુ ગગન શિયાળની માલિકીનું હતું. જે પોરબંદરથી 6 મહિના પહેલા નીકળ્યું હતું અને મોટા ભાગે દુબઈથી યમન વચ્ચે માલ-સામાનનું પરિવહન કરતું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer