પામતેલ કિલોએ રૂ. 27 જેટલું સસ્તું થયું !

મલેશિયામાં પામતેલ વાયદા ઉપલા સ્તરેથી 40 ટકા ગબડી ગયાં: કપાસિયા તેલ પણ સસ્તું થવા માંડયું
 
રાજકોટ,તા.22(ફૂલછાબ ન્યૂઝ) અતિની ગતિ નહીં એ કહેવત પામતેલને ફિટ બેસે તેવી છે. સૌથી સસ્તું રહેતું પામતેલ સીંગતેલની બરોબરી કરવા લાગ્યું હતુ ત્યારે જ તેજી અવાસ્તવિક હોવાનું દેખાતું હતુ અને હવે પામતેલના ભાવ જે રીતે તૂટી રહ્યા છે એ ખાદ્યતેલ બજારમાં ચર્ચાનો વિષય બન્યો છે. પામતેલને લીધે બીજા તેલ સસ્તાં થવા લાગતા હવે ઘરના મહિનાના બિલમાં આવતા ચોક્કસપણે થોડો ઘટાડો થાય એમ છે.
જૂનના આરંભમાં પામતેલનો એક કિલોનો ભાવ રૂ.162-163 હતો તે 22 જૂને ઘટીને રૂ. 136 સુધી આવી ગયો છે. 22 દિવસમાં રૂ. 27 જેટલું સસ્તું થઇ ગયું છે. પામતેલ સીધું રસોઇમાં વપરાતું નથી પણ ફરસાણવાળાના નફા વધશે એમાં બેમત નથી.10મી માર્ચે એક કિલો પામતેલનો ભાવ રૂ. 169-170 થઇ ગયો હતો. હવે ઘણી રાહત થઇ છે.
પામતેલનો ભાવ રશિયા-યુક્રેનના યુધ્ધની શરૂઆત થયા પછી માલ અછત સર્જાવાની બીકને વીધે વધીને સીંગતેલની સાવ નજીક પહોંચવા આવ્યો હતો. સટ્ટાવાળી તેજી લાંબી ટકી શકે એમ ન હતી એટલે હવે જ્યારે દુનિયાભરમાં આર્થિક મંદી ફેલાઇ જશે એવો ફફડાટ ફેલાતા અર્થ વિના ટોચ પર પહોંચેલું પામતેલ ભાંગવા લાગ્યું છે.
10મી માર્ચે મલેશિયામાં ત્યાંના ચલણ પ્રમાણે પામતેલ વાયદો 7268 ની ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે આજે તે 4498 હતો. આમ 40 ટકાનો ઘટાડો ત્રણ મહિનામાં આવી ગયો છે. 2022માં પામતેલે જેટલી તેજી જોઇ હતી એ બધી જ ધોવાઇ ગઇ છે.
પામતેલને લીધે કપાસિયા તેલ વાપરનારા લોકોને ય લાભ થશે. કારણકે મહિનાના આરંભે રૂ. 175માં મળતું તેલ રૂ. 165નું થઇ ગયું છે. સીંગતેલમાં ઝાઝો ફેર નથી પણ કિલોએ રૂ. 3 તો ઘટી જ ગયા છે. સૂર્યમુખી અને મકાઇ તેલમાં પણ એક કિલોએ અનુક્રમે રૂ. 6 અને 4નો ફાયદો થયો છે.

પામતેલના ભાવમાં હજુ મંદી આવે એવી સંભાવના છે એ જોતા ખાદ્યતેલોના ભાવ મોરચે ઘણી રાહત થાય એમ છે. ભારતમાં આયાત પણ વધવાની છે એટલે હવે મોંઘવારી ઘટવાના દિવસો આવશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer