વડાપ્રધાન મોદી 28મીએ સવારે આટકોટ અને સાંજે ગાંધીનગરમાં સભા સંબોધશે

ગાંધીનગરમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં વડાપ્રધાન અને અમિત શાહ બન્ને હાજરી આપશે :  આટકોટમાં સભાસ્થળ પર એક્સ્ટ્રા એમ્બ્યુલન્સ, સિનિયર ડૉક્ટરો, ફિઝિશયન ટીમને સ્ટેન્ડ બાય રાખવા કલેક્ટરની સૂચના
 
અમદાવાદ, તા.25: વડાપ્રધાન નરેદ્ર મોદી 28મી મેના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ગુજરાતભરની સહકારી સંસ્થાઓને એક છત્ર હેઠળ લાવીને 28મી મે એ ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરમાં ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સહકાર ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેશે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાતની માહિતી આપતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10 વાગ્યે જસદણ પહોંચશે ત્યાથી 10.30 કલાકે આટકોટ ગામે 40 કરોડના ખર્ચે બનેલી કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરી જાહેર કાર્યક્રમને સંબોધશે ત્યાર બાદ તેઓ 12.30 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. સાંજે ચાર વાગ્યા સુધી રાજભવનમાં રોકાણ કરશે અને 4.30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનાર સહકારથી સમૃદ્ધિ સંમેલનને સંબોધશે અને ત્યારબાદ દિલ્હી જવા રવાના થશે. 
અમિત શાહ તા.27, 28 અને 29 મે એમ ત્રણ દિવસ ગુજરાતની મુલાકાત લેશે. આ દરમિયાન અમદાવાદ, જામનગર, દ્વારકા, ગાંધીનગર અને ગોધરા ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમો અંતર્ગત દ્વારકાની પોલીસ કોસ્ટલ અકાદમીના તાલીમાર્થીઓ સાથે સંવાદ, અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી
સ્ટેડિયમમાં રમાઈ રહેલી આઇપીએલ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ નિહાળશે અને તા.29મી મેના રોજ ગોધરા ખાતે પંચામૃત ડેરી ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આજે કલેકટર અરુણ મહેશ બાબુએ હેલિપેડ, ડોમ, કોન્વોય, પાર્કિંગ વગેરેની થઈ રહેલી વ્યવસ્થાનાં આયોજનની માહિતી મેળવી હતી અને સંબંધિત અધિકારીઓને સભાસ્થળ પર એક્સ્ટ્રા એમ્બ્યુલન્સ, સિનિયર ડોક્ટરો અને ફિઝિશયન ટીમને સ્ટેન્ડ બાય રાખવા સૂચના આપી હતી. આ ઉપરાંત પી.એમ.ની આસપાસ રહેનારા અધિકારીઓને ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ કરવા સૂચના આપી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer