સૌરાષ્ટ્રના દરિયાકિનારે 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

સૌરાષ્ટ્રના દરિયાકિનારે 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગે ચાર દિવસ માટે કરી આગાહી: સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના
 
પોરબંદર, તા.25: રાજસ્થાનમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રફ દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાનથી લઈને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર સુધી લંબાયો છે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકિનારે 40 થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. જેને કારણે આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. એવામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને 25થી 29 મે દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગ મુજબ, ગુજરાતના જખૌ, માંડવી, મુંદ્રા, નવા કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા તથા પોરબંદરના દરિયાકાંઠે 27થી 29 મે 2022 દરમિયાન 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે 60 કિલોમીટર સુધી પણ પહોંચી શકે છે. એવામાં માછીમારોને આ સમય દરમિયાન દરિયો ખેડવા ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં વધુ વરસાદ અને ચક્રવાતની સંભાવના સાથે દરિયો વધુ તોફાની બને તેવી શકયતા દર્શાવીને પોરબંદરના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે બોટોને પરત બોલાવી લેવા આદેશ આપ્યો છે.
વાતાવરણમાં આવેલા પલટાને કારણે રાજકોટ સહિત કેટલાંક વિસ્તારમાં ઝાપટું પડયું હતું. અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 41.0 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો, જ્યારે આ સિવાય અન્ય તમામ શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી નીચે નોંધાતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન ખાતાએ ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવીટીને લઇને આગાહી કરતા જણાવ્યું હતું કે કાળઝાળ ગરમી વચ્ચે છૂટોછવાયો વરસાદ પડશે. ગુજરાતમાં લોકલ અને થન્ડર સ્ટ્રોમ એક્ટિવીટી શરૂ થઇ છે. જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેમ કે રાજકોટ અને અમરેલીમાં વરસાદની આગાહી કરાઇ છે તો બીજી બાજુ દમણ, વલસાડ અને નવસારીમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવીટી રહેશે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer