નવી દિલ્હી, તા. 25 : આઇપીએલની વર્તમાન સીઝનમાં અનકેપ્ડ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને લોકોનાં દિલમાં જગ્યા બનાવી લીધી છે. આવા ખેલાડીઓમાં રાહુલ ત્રિપાઠી, મોહસિન ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, તિલક વર્મા વગેરે સામેલ છે.
રાહુલ ત્રિપાઠીએ 14 મેચમાં 158.24ની શાનદાર સ્ટ્રાઈક રેટથી 413 રન કર્યા છે. જેમાં ત્રણ અર્ધસદી પણ સામેલ છે. મોહસિન ખાને પોતાની ડેબ્યુ સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે અત્યારસુધીમાં 8 મેચમાં 5.93ની ઇકોનોમી રેટથી 13 વિકેટ લીધી છે. દિલ્હી સામે મોહસિને 16 રન આપીને ચાર વિકેટ લીધી હતી. જે તેનું શાનદાર પ્રદર્શન છે. અર્શદીપ સિંહે 14 મેચમાં 10 વિકેટ લીધી છે. વર્તમાન સિઝનમાં અર્શદીપનું શાનદાર પ્રદર્શન દિલ્હી સામે રહ્યું હતું. જેમાં તેણે 37 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.
ઉમરાન મલિકે પણ વિરોધીઓને પરેશાન રાખ્યા છે. તેણે 14 મેચમાં 22 વિકેટ લીધી છે. આ દરમિયાન સૌથી સારું પ્રદર્શન ગુજરાત સામે રહ્યું છે. જેમાં 25 રન આપીને 5 વિકેટ લીધી હતી. કોલકાતાના બેટ્સમેન રિંકુ સિંહને માત્ર સાત મુકાબલામાં ભાગ લેવાનો મોકો મળ્યો છે. આ દરમિયાન લખનઉ સામે માત્ર 15 બોલમાં 40 રન કરીને ટીમને લગભગ જીત અપાવી દીધી હતી. તેણે 174 રન કર્યા છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ માટે આઇપીએલ નિરાશાજનક રહી છે પરંતુ તિલક વર્માની ટીમ શાનદાર બનીને બહાર આવ્યો છે. તેણે 13 મેચમાં 397 રન કર્યા છે. આ દરમિયાન બે અર્ધસદી પણ કરી છે.
મોહસિનથી લઈને ઉમરાન : અનકેપ્ડ ખેલાડીઓની ધમાલ
