સિબલ સાઈકલ પર સવાર

સિબલ સાઈકલ પર સવાર
કોંગ્રેસમાંથી રાજીનામું : સપાના સમર્થનથી રાજ્યસભા માટે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી
 
નવી દિલ્હી, તા. 25: સમાજ વાદી પાર્ટીએ રાજ્યસભા ઉમેદવારોના નામ ફાઇનલ કરી દીધાં છે. જેમાં કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ સપાનાં સમર્થનમાંથી રાજ્યસભા જઈ રહ્યા છે. કપિલ સિબ્બલે અપક્ષ તરીકે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે. આ સાથે કોંગ્રેસમાં લાંબા સમયથી વિરોધનો અવાજ ઉઠાવી રહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે પક્ષમાંથી
રાજીનામું આપી દીધું છે. સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભા સાંસદ તરીકે ઉમેદવારી નોંધાવ્યા બાદ કપિલ સિબ્બલે કોંગ્રસમાંથી રાજીનામું આપી દીધું હોવાનો ખુલાસો કર્યો હતો.
 પત્રકારો સાથેની વાતચીતમાં સિબ્બલે કહ્યું હતું કે, તેઓએ 16મી મેના રોજ જ રાજીનામું આપી દીધું છે.કપિલ સિબ્બલે ખુલાસો કરતા કહ્યું હતું કે, તેઓ વિપક્ષમાં રહીને એક ગઠબંધન બનાવવા માગે છે જેથી મોદી સરકારનો વિરોધ કરી શકાય. તેઓ ઈચ્છે છે કે 2024માં એવો માહોલ બને કે ભારતમાં મોદી સરકારની ખામીઓ છે તે જનતા સુધી પહોંચાડી શકે. પોતે પણ આ માટેનો પ્રયાસ કરશે. સિબ્બલે એમ પણ કહ્યું હતું કે, તેઓને તમામ દળોએ સમર્થન આપ્યું છે.
કપિલ સિબ્બલે આઝમ ખાનનો આભાર પણ માન્યો હતો. તેઓએ કહ્યું હતું કે, તેઓ સપામાં સામેલ થવા નથી જઈ રહ્યા પણ અપક્ષ ઉમેદવાર તરીકે નામ નોંધાવ્યું છે. સિબ્બલે કહ્યું હતું કે, તેઓને આ માટે ખુશી છે. તેઓ હંમેશાં દેશમાં સ્વતંત્ર અવાજ ઉઠાવવા માગતા હતા. જે વાત અખિલેશ યાદવ સમજ્યા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer