મોંઘવારીને ડામ: ખાદ્યતેલોની આયાતમાં છૂટછાટ: ખાંડની નિકાસ પર અંકુશ

મોંઘવારીને ડામ: ખાદ્યતેલોની આયાતમાં છૂટછાટ: ખાંડની નિકાસ પર અંકુશ
ઘઉંની નિકાસબંધી દૂર નહીં થાય: પીયૂષ ગોયલ
 
નવી દિલ્હી, તા.25: આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં ખૂબ વધારો થતા આસમાને પહોંચેલી મોંઘવારી વધુ મોં ફાડે એ પૂર્વે સરકારે ઘઉંની નિકાસ બંધ કરી દીધી છે. નિકાસ પર પ્રતિબંધ હટાવવા માટે વિશ્વભરમાંથી ભારત પર દબાણ છે પણ આજે દાવોસમાં પીયૂષ ગોયલે પ્રતિબંધ દૂર નહીં થાય એવું સ્પષ્ટ જણાવ્યું હતું. બીજી તરફ ગઇકાલે સૂર્યમુખી અને સોયાબીન તેલની આયાત થાય તે માટે ડયૂટી હટાવી દીધી છે અને ખાંડની નિકાસ પર પણ અંકુશો આવી ગયા છે.
14મી મેના દિવસે સરકારે ઘઉંની નિકાસ બંધી કરી છે. નિકાસ ફરીથી ખુલ્લી કરવાનો કોઇ ઇરાદો સરકારનો નથી તેમ ગોયલે કહ્યું હતું. વિશ્વભરમાં અસ્થિરતા અને અનિશ્ચિતતાના માહોલમાં સટ્ટાખોરી ટાળવા માટે અને મોંઘવારીને ઘરઆંગણે કાબૂમાં રાખવા માટે સરકાર એક પછી એક પગલા લઇ રહી છે. ઘઉંની નિકાસબંધી પછી તેલોની આયાત હળવી કરાઇ છે.
સરકારે ક્રૂડ સોયાબીન અને સૂર્યમુખી તેલની વર્ષે 20-20 લાખ ટનના જથ્થામાં આયાત થાય તેવી શરત સાથે માર્ચ 2024 સુધી આયાત જકાતમાંથી મુક્તિ આપવામાં આવી છે. આયાતને લીધે ભાવવધારો અટકી જશે       એવી આશા છે. માર્ચ 2024 સુધીમાં 80 લાખ ટન ક્રૂડ સોયાબીન અને ક્રૂડ સૂરજમુખી તેલ ભારતમાં મુક્તપણે આવી શકશે. અત્યાર સુધી આયાત કર અને 5.5 ટકા કૃષિ સેસ લાગતી હતી તે હટી જશે.
યુક્રેનથી સૂર્યમુખીની નિકાસ અત્યંત પ્રભાવિત થઇ છે ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુક્રેનમાં મુશ્કેલી પછી ભારત દેશના આયાતકારો નવી નવી બજારો માલ લાવવા માટે શોધી રહ્યા છે. ઇન્ડોનેશિયાએ પામતેલની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. એ જોતા હવે ખાદ્યતેલોનો પુરવઠો વધતા ભાવમાં થોડો ઘટાડો આવવાની શક્યતા છે.
સરકારે પહેલી જૂનથી લાગુ પડે તે રીતે ખાંડની નિકાસ પર પણ નિયંત્રણો મૂક્યા છે. હવે 100 લાખ ટન કરતા વધારે નિકાસ થઇ શકશે નહીં. જોકે એ માટે પણ સરકારની મંજૂરી આવશ્યક બનશે. આ વર્ષે અત્યાર સુધીમાં 60 લાખ ટનની નિકાસ થઇ ગઇ છે. 90 લાખ ટનના સોદા થયા છે અને  82 લાખ ટન જેટલો માલ ઉપાડી લેવામાં આવ્યો છે. હવે 10 લાખ ટન જેટલા માલ માટે સમસ્યા થાય એવી શક્યતા છે. જોકે નિકાસકારોને સોદા સૂલટાવી લેવા માટે એક સપ્તાહ કરતા વધારે સમય પણ આપવામાં આવ્યો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer