આતંકના જનક યાસીન મલિકને આજીવન કેદ

આતંકના જનક યાસીન મલિકને આજીવન કેદ
ટેરર ફન્ડિંગના બે કેસમાં એનઆઇએ કોર્ટનો ફેંસલો : અન્ય 4 કેસમાં 10-10 વર્ષની સજા, $10 લાખનો દંડ, કુલ 9 કેસમાં સજા: કાશ્મીરમાં સમર્થકોનો ઉત્પાત, સુરક્ષા દળો પર પથ્થરમારો : મોબાઇલ-ઇન્ટરનેટ બંધ : એનઆઇએ એ માગી હતી સજા-એ-મોત
 
નવી દિલ્હી, તા.રપ : આતંકના પોષક બનેલા કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકને દિલ્હીની સ્પેશિયલ એનઆઇએ કોર્ટે વર્ષ ર017ના ટેરર ફન્ડિંગના બે કેસમાં આજીવન કેદની સજા ફટકારી રૂ.10 લાખનો દંડ કર્યો છે. અન્ય 4 કેસમાં તેને 10-10 વર્ષની સજા થઈ છે. કુલ 9 કેસમાં તેને વિવિધ સજા જાહેર કરવામાં આવી હતી. આ તમામ સજાઓ એક સાથે ભોગવવાની રહેશે. એનઆઇએની ફાંસીની સજાની માગ કોર્ટે નામંજૂર કરી હતી. ગુનો કબૂલ કરનાર મલિક જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેશે. તેને તિહાડ જેલમાં રાખવામાં આવ્યો છે.
યાસિન મલિકને સજાનો સમય નજીક આવતાં જ કાશ્મીરમાં તેના સમર્થકોએ ઉત્પાત મચાવવાનું શરૂ કર્યું હતું. શ્રીનગરમાં મૈસૂમા વિસ્તારમાં તેના નિવાસસ્થાન બહાર સમર્થકોના ટોળા એકઠાં થયાં જેણે બાદમાં નારેબાજી કરી, સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો. સ્થિતિને કાબૂ કરવા સુરક્ષા દળોએ ટીયરગેસના સેલ છોડી ટોળાને વિખેર્યા હતા સાથે મૈસુમા અને ડાઉનટાઉન વિસ્તારોમાં મોબાઇલ-ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. શ્રીનગરમાં  બજારો બંધ કરી દેવામાં આવી હતી.
 જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટના વડા મલિકે આતંકવાદી ભંડોળના કેસમાં તમામ આરોપો સ્વીકાર્યા હતા, જેમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (યુએપીએ) હેઠળના આરોપોનો સમાવેશ થાય છે.  દિલ્હીની વિશેષ એનઆઇએ કોર્ટે 19 મેના રોજ આ કેસમાં યાસીનને દોષિત ઠેરવ્યો હતો.
અગાઉ 19 મેના રોજ વિશેષ કોર્ટે યાસીન મલિકને દોષી ઠેરવ્યો હતો.  મલિકે યુએપીએ અંતર્ગત લગાવવામાં આવેલા આરોપો સહિતના પોતાના પર લાગેલા તમામ આરોપોનો સ્વીકાર કર્યો હતો. આ આરોપોમાં યુએપીએની કલમ 16 (આતંકવાદી કૃત્ય), 17 (આતંકવાદી કૃત્યો માટે ધન એકત્રિત કરવું), 18 (આતંકવાદી કૃત્યનું ષડયંત્ર) અને કલમ 20 (આતંકવાદી ટોળકી કે સંગઠનનું સદસ્ય હોવું) તથા ભારતીય દંડ સંહિતાની કલમ 120-બી (ગુનાહિત ષડયંત્ર) અને 124-એ (રાજદ્રોહ)નો સમાવેશ થાય છે. 
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફતીએ યાસીન મલિક મામલે કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. મુફતીએ જણાવ્યું કે, ભાજપ મુસલમાનોને કચડી રહી છે. આ સાથે જ મુફતીએ પાકિસ્તાનના ન્યાયતંત્રને ભારત કરતાં સારું ગણાવ્યું હતું. 
યાસીન મલિકની બહેન શ્રીનગરમાં મૈસુમાનાં ઘરે કુરાનનો પાઠ કરી રહી હતી. યાસીન મલિકની બહેન ઘરની બારી પાસે ઉભી કુરાન વાંચી રહી હતી.
સજા જાહેર થતાં પહેલા યાસીન મલિકને કોર્ટના લોક અપમાં રાખવામાં આવ્યો હતો. કોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ કોર્ટમાં પહોંચી કોર્ટ પરિસરમાં સઘન તપાસ કરવામાં આવી હતી.
ટેરર ફન્ડિંગ કેસમાં દોષિત અલગતાવાદી નેતા યાસિન મલિકની સજા અંગે કોર્ટના ચુકાદા પહેલા બુધવારે શ્રીનગરના ભાગો બંધ રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે લાલ ચોક સહિત મૈસુમા અને આસપાસના વિસ્તારોમાં મોટાભાગની દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓ બંધ રહી હતી.
યાસીનના વકીલ ફરહાનનું કહેવું છે કે કોર્ટ રૂમમાં યાસીને કહ્યું કે તે સજા વિશે વાત નહીં કરે અને કોર્ટ ખુલ્લેઆમ સજા આપી શકે છે જ્યારે એનઆઇએએ યાસીન માટે ફાંસીની સજાની માગ કરી ત્યારે તે લગભગ 10 મિનિટ સુધી મૌન રહ્યો. 
 
દિલ્હી-NCRમાં એલર્ટ
નવી દિલ્હી, તા.રપ : યાસીન મલિકને ફટકારવામાં આવેલી સજાના વિરોધમાં દિલ્હી-એનસીઆરમાં આતંકવાદી હુમલાની સંભાવના અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષા દળોને સતર્ક કરવામાં આવ્યા છે.
 
પાકિસ્તાનને પેટમાં ચૂંક ઉપડી, ભારત વિરોધી બફાટ
 
ઈસ્લામાબાદ, તા. રપ : યાસીન મલિકને સજા જાહેર થતાં જ જાણે પાકિસ્તાનને પેટમાં ચૂક ઉપડી અને વડાપ્રધાન શાહબાઝ શરીફ, ક્રિકેટર શાહિદ આફ્રિદી, પૂર્વ રાજદ્વારી અબ્દુલ બાસિત સહિતનાએ ભારત વિરોધી બફ્ફાટ શરૂ કરી દીધો હતો. શરીફે ટ્વિટ કરી કહ્યુ કે આજનો દિવસ ભારતીય લોકતંત્ર અને ન્યાય વ્યવસ્થા માટે કાળો દિવસ છે. વ્યક્તિને કેદ કરી શકશો, વિચારને નહીં. બાસિતે ચૂકાદાને ન્યાયિક આતંકવાદ ગણાવ્યો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer