IPLમાં યુવાનો પાસ, દિગ્ગજો નિષ્ફળ

IPLમાં યુવાનો પાસ, દિગ્ગજો નિષ્ફળ
રોહિત, કોહલી માટે નિરાશાજનક IPL : કે એલ રાહુલ, બુમરાહ સહિતના ખેલાડીઓ છવાયા
નવી દિલ્હી, તા. 25: આઇપીએલ 2022માં બેટ અને બોલ વચ્ચે રોચક સંઘર્ષ જોવા મળ્યો હતો. વર્તમાન સીઝનમાં ધુરંધર ખેલાડીઓ ઉપર ખાસ નજર હતી. જેમાં કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તો અમુક ખેલાડીઓ આશા પ્રમાણેનું પ્રદર્શન કરી શક્યા નથી.
રોહિત શર્મા બેટિંગમાં પૂરી રીતે ફ્લોપ રહ્યો છે. રોહિતનાં નેતૃત્વમાં મુંબઈએ 14માંથી 10 મુકાબલા હાર્યા છે અને ટીમ પ્લે ઓફમાં પણ પહોંચી શકી નથી. રોહિત શર્માના બેટથી 14 મેચમાં માત્ર 268 રન જ થયા છે. રોહિત એક પણ અર્ધસદી કરી શક્યો નથી.
કોહલી માટે પણ આઇપીએલ ખાસ રહ્યો નથી. આઇપીએલના 14 મુકાબલામાં કોહલીએ બે અર્ધસદીની મદદથી 309 રન કર્યા છે. આ દરિયાન ત્રણ વખત ગોલ્ડન ડક બન્યો છે. ઋષભ પંતે વર્તમાન સીઝનમાં 14 મુકાબલામાં 340 રન કર્યા છે. આ દરમિયાન બેસ્ટ સ્કોર 44 રન રહ્યો છે. પૂરી સીઝનમાં દિલ્હી તરફથી રમતા પંત મહત્ત્વની ક્ષણે વિકેટ ગુમાવતો જોવા મળ્યો હતો.
કેએલ રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું છે. લખનઉના કેપ્ટન રાહુલે 14 મેચમાં 537 રન કર્યા છે. આ દરમિયાન બે સદી અને ત્રણ અર્ધસદી પણ કરી છે. રાહુલને દક્ષિણ આફ્રિકા સામે ટી20 શ્રેણીમાં ભારતીય ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. શ્રેયસ અય્યરે 14 મુકાબલામાં 401 રન કર્યા છે. જેમાં ત્રણ અર્ધસદી સામેલ છે. જો કે કોલકાતાની ટીમ પ્લે ઓફમાં પહોંચી શકી નથી. બીજી તરફ બોલરોમાં બુમરાહ અને શમીનું પ્રદર્શન સારું રહ્યું છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer