8000 કિમી.ની ‘શ્રી રામાયણ યાત્રા’

8000 કિમી.ની ‘શ્રી રામાયણ યાત્રા’
ર1 જૂનથી ધાર્મિક યાત્રા માટે ખાસ ટ્રેન: ભાડુ રુ.6ર370
નવી દિલ્હી, તા.રપ : મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોએ ભ્રમણ અને દર્શન માટે આઈઆરસીટીસી (ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન) એ પહેલીવાર 8000 કિમી.ની એ.સી. ભારત ગૌરવ ટ્રેન દોડાવવા યોજના ઘડી છે. જેનો ર1 જૂનને દિલ્હી સફદરજંગથી શુભારંભ થશે.
આઈઆરસીટીસીના ચીફ રિઝનલ મેનેજર અજીત સિન્હાએ જણાવ્યું કે આ ધાર્મિક યાત્રા માટે મુસાફર દિઠ રુ.6ર370 ચૂકવવાના રહેશે. આ સમગ્ર યાત્રાને શ્રી રામાયણ યાત્રા નામ આપવામાં આવ્યું છે. એક સાથે ભાડું ન ચૂકવી શકે તેમ હોય તેઓ 3,6,9,1ર,18 અને ર4 હપ્તામાં ચૂકવણી કરી શકશે. 18 દિવસની આ વિશેષ પર્યટન ટ્રેન પર્યટન સાથે ભારત અને નેપાળની આર્થિક અને સાંસ્કૃતિક વારસાને મજબૂત બનાવશે. ટ્રેનમાં બોર્ડિંગ દિલ્હી ઉપરાંત અલીગઢ, ટૂંડલા, કાનપુર અને લખનઉથી કરાશે.
ધાર્મિક યાત્રાનો પહેલો પડાવ પ્રભુ શ્રીરામનું જન્મસ્થળ અયોધ્યા હશે. અયોધ્યાથી આ ટ્રેન બકસર પહોંચશે. ત્યાંથી જયનગર થઈ જનકપુરી જશે. જનકપુરીથી સીતામઢી પહોંચી જાનકી જન્મસ્થળના દર્શન કરાવાશે. ટ્રેનનો ત્યાર પછીનો પડાવ કાશી હશે. ત્યાર બાદ નાસિક જશે. ત્યાંથી હંપી અને રામેશ્વર, કાંચીપુરમ જશે. યાત્રાનો અંતિમ પડાવ તેલંગાણામાં ભદ્રચલમ હશે. આ એ.સી.ટ્રેનમાં થ્રી ટાયર શ્રેણીના 11 કોચ હશે. સાથે કીચન કારથી યાત્રીઓને બર્થ પર જ શુદ્ધ શાકાહારી ભોજન ઉપલબ્ધ થશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer