જામનગરના 100 કરોડની ઠગાઈ કેસમાં 30 આસામી સામે આવ્યા

મુખ્ય સૂત્રધાર બે નિવૃત્ત શિક્ષક હજુ ફરાર
જામનગર, તા.25 : જામનગરમાં લાલ બંગલા વિસ્તારમાં છાસ-લસ્સીનું વેચાણ કરતા વેપારી લીમડા લેન વિસ્તારમાં રહેતા ભાવેશ પ્રવિણચંદ્ર મહેતા ઉપરાંત તેના અન્ય બે સાથીદારો જામનગરના નિવૃત્ત શિક્ષક નિઝાર સદરૂદીન આડતિયા અને દોલત દેવનદાસ આહુજા જે ત્રણેય સામે જામજોધપુર પોલીસ મથકમાં લોભામણી સ્કીમના ઓઠા તળે રૂ. 2.37 કરોડની ઠગાઈ આચરવામાં આવી હોવાનો ગુનો નોંધાયો હતો.
આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર ભાવેશ પ્રવીણચંદ્ર મહેતાની અટકાયત કરી તેને સાત દિવસના રિમાન્ડ પર લેવાયો છે. રિમાન્ડ દરમિયાન જામજોધપુર પોલીસની ટુકડી લીમડાલેન વિસ્તારમાં આવેલ તેના રહેણાક મકાનમાંથી ત્રણ ડાયરી કબજે કરી હતી. જેમાં 70થી વધુ વ્યક્તિના નામોની યાદી અને પૈસાની લેવડ-દેવડના હિસાબો લખ્યા હતા.
પોલીસની ઉંડાણપૂર્વકની તપાસના અંતે આખરે આ પ્રકરણમાં અનેક નાગરિકો કે જેઓ ચીટર ટોળકીના શિકાર બન્યા છે જે પોલીસ સમક્ષ આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 30 વ્યક્તિઓ સામે આવી છે અને જે તમામના નિવેદન નોંધી લેવાયા છે. જેઓની અંદાજે પાંચેક કરોડ રૂપિયાની રકમ ઉપરાંત ભાવેશ મહેતા સહિતની ત્રિપુટીએ પચાવી લીધી હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે. સમગ્ર મામલાની તપાસમાં મુખ્ય સૂત્રધાર ગણાતા બે નિવૃત્ત શિક્ષકો હાલ ફરાર હોવાથી તે બન્નેની શોધખોળ ચલાવાઈ રહી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer