વિશ્વામિત્ર કંપનીના સંચાલકો દ્વારા રિજેન્ટ કોઇનમાં રોકાણ કરાવવાના નામે ઠગાઈ

જેતલસર, તા. 25: ઉત્તર પ્રદેશની વિશ્વામિત્ર ઇન્ડિયા કંપનીના સંચાલકો દ્વારા રોકાણકારોનાં નાણાં પરત આપવાના બદલે રિજેન્ટ કોઇનમાં રોકાણ કરાવવાનાં નામે ઠગાઈનો વધુ એક કારસો કરાયાનું સામે આવ્યું છે. રોકાણકારો દ્વારા નાણાં ભરીને કોઇનનું આઇડી મેળવવા પડાપડી થઈ રહ્યાનું ખૂલ્યું છે.
વિશ્વામિત્ર ઇન્ડિયા કંપનીમાં રોકાણ કરનાર સેંકડો રોકાણકારોનાં નાણાં ફસાયાં હતાં. સૌરાષ્ટ્રના રાજકોટ, ગોંડલ, જેતપુર અને દેશના 12 જેટલાં રાજ્યોના રોકાણકારોએ તેનાં નાણાં પરત મેળવવા કોર્ટમાં કાર્યવાહી કરવાની સાથો સાથ સેબીમાં પણ ફરિયાદ કરી હતી. તેના કારણે કંપનીના ડિરેક્ટરો વગેરે નીચે રેલો આવ્યો હતો. દરમિયાન કંપનીના મુખ્ય ડિરેક્ટર મનોજકુમાર ચંદેએ રોકાણકારોને ક્રિપ્ટો કરન્સી એવા રિજેન્ટ કોઇનમાં રોકાણ કરો તો ફસાયેલાં નાણાં પરત મળે તેવી વાત વહેતી કરી હતી. આ વાતમાં આવી ગયેલા કેટલાય રોકાણકારોએ રૂ. ચાર હજાર ભરીને કોઇનનું આઇડી મેળવવા પાડાપડી ચાલુ કરી દીધી છે. કંપની દ્વારા આ રીતે વધુ એક ઠગાઇનો કારસો થયો છે. આ અંગે રાજકોટ નવ નિર્માણ સેનાના રાજેશભાઈ છગનભાઈ પરમારે સીઆઇડી ક્રાઇમ, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, રાજ્યપાલ, વિપક્ષી નેતા, ધારાસભ્યો અને સાંસદ સભ્યોને લેખિત રજૂઆત કરીને કંપનીના ડિરેક્ટર મનોજકુમાર ચંદે, સંજય ખુશવા સહિતના પ્રોપારાઇટર સામે તાકીદે છેતરપિંડીનો ગુનો નોંધીને કડક કાર્યવાહી કરવા માગણી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રોકાણકારોના અંદાજે રૂ. 700 કરોડ પરત ન આપીને વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવાર નામની  કંપનીના ડિરેક્ટરોએ છેતરપિંડી કરી હોવાની ગુજરાત સહિત 12 રાજ્યોમાં પોલીસ અને કોર્ટમાં ફરિયાદ થઈ છે. આ કંપનીના ડિરેક્ટરની અંદાજે રૂ. 1200 કરોડની સંપત્તિ સેબીએ જપ્ત કરી છે. આ કંપનીનો ડિરેક્ટર મનોજ ચંદે અત્યાર સુધી જેલમાં હતો પણ મિલકતોની હરાજી સબબ સુપ્રીમ કોર્ટમાંથી જામીન પર છૂટીને હવે કોઇનના નામે કૌભાંડ આચરતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer