રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટશે, હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટશે, હવામાન વિભાગની આગાહી
પાંચ દિવસ હિટવેવની શક્યતા નથી : ભાવનગરમાં 43.4 તેમજ રાજકોટમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા. 14:  ગુજરાતમાં કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોને રાહત આપતી આગાહી હવામાન વિભાગે કરી છે.
આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સૂકુ વાતાવરણ રહશે. દક્ષિણ તરફથી પવન શરૂ થતા તાપમાનમાં ઘટાડો થશે અને રાજ્યમાં 40 ડિગ્રી ઉપર તાપમાન રહી શકે છે. જો કે, હીટવેવની કોઇ આગાહી નથી.  હવામાન વિભાગે જણાવ્યું હતું કે કેરળમાં 27મેના રોડ ચોમાસું બેસવાનું અનુમાન છે ત્યારે ગુજરાતમાં જૂન મહિનાની આસપાસ વરસાદ આવી શકે છે. હાલમાં ઉત્તરી પશ્ચિમી પાકિસ્તાન અને રાજસ્થાન તરફથી પવનો ફૂંકાતા તાપમાનમાં વધારો થયો છે.
દરમિયાન રાજકોટમાં આજે ગરમીનો પારો 42.8 ડિગ્રીએ પહોંચ્યો હતો, લઘુતમ તાપમાન 26.6 ડિગ્રી પહોચ્યું હતું. સવારે ભેજનું પ્રમાણ 75 ટકા રહ્યું હતું અને સાંજે 12 ટકા હતું. પવનની ઝડપ 26 કિમી પ્રતિ કલાકની રહી હતી. ગરમીના કારણે શહેરના મુખ્યમાર્ગો સુમસામ ભાસતા હતાં. લોકોએ ઘરની બહાર નિકળવાનું ટાળ્યું હતું.  ભાવનગરમાં ગરમીનું જોર વધ્યું છે, આજે શનિવારે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 43.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.0 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 50 ટકા અને પવનની ઝડપ 36 કિ.મી પ્રતિ કલાકની રહેવા પામી હતી. છેલ્લા કેટલાય દિવસથી આકરા તાપ અને બફારાથી લોકો હેરાન-પરેશાન થઇ ગયા.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer