ચૂંટણી પહેલા મુખ્યમંત્રી બદલવાની ભાજપની કવાયત: બિપ્લવે કહ્યું, પક્ષ સોંપે તે ભૂમિકા માટે તૈયાર
અગરતાલા, તા.14: ત્રિપુરાનાં મુખ્યમંત્રી અને ભાજપનાં દિગ્ગજ નેતા બિપ્લવ કુમાર દેવે આજે અચાનક જ પોતાનાં પદ ઉપરથી રાજીનામુ આપીને હલચલ પેદા કરી દીધી હતી. જો કે ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી બદલવાની ભાજપની રણનીતિનાં ભાગરૂપે આવું કરવામાં આવ્યું હોઈ શકે છે. બિપ્લવનાં રાજીનામા બાદ ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ માણિક સાહાને તેમનાં અનુગામી તરીકે પસંદ કરી લેવામાં આવ્યા હતાં.
બિપ્લવ કુમારની છબિ ત્રિપુરામાં ભાજપનાં શક્તિશાળી નેતા તરીકેની રહી છે. તાજેતરમાં જ તેઓ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતાં. એવું માનવામાં આવી રહ્યું છે કે, પક્ષનાં કેન્દ્રીય નેતૃત્વનાં ઈશારે જ બિપ્લવે રાજીનામુ આપ્યું છે. તેમનાં સ્થાને હવે માણિક સાહા ત્રિપુરાનાં નવા મુખ્યમંત્રી બન્યા છે. ભાજપનાં (જુઓ પાનું 8)
નેતૃત્વનાં નિર્દેશ ઉપર તેમની નિયુક્તિનું એલાન કરી દેવામાં આવ્યું હતું.
બિપ્લવનાં ઓચિંતા રાજીનામાની ઘોષણા બાદ સાંજે ત્રિપુરામાં ભાજપનાં વિધાયકોની બેઠક મળી હતી. જેમાં નવા મુખ્યમંત્રીનાં નામ અંગે ફેંસલો કરવામાં આવ્યો હતો. ભાજપનાં કેન્દ્રીય નેતૃત્વ તરફથી કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ભાજપનાં મહાસચિવ વિનોદ તાવડે નિરિક્ષકો તરીકે તેમાં હાજર રહ્યા હતાં. સાહાની તાજપોશી પહેલા નાયબ મુખ્યમંત્રી દેબ બર્મન અને કેન્દ્ર સરકારમાં રાજ્યમંત્રી પ્રતિમા ભૌમિકીનાં નામ પણ મુખ્યમંત્રી પદની રેસમાં ગણાવાતા હતાં.
રાજ્યપાલને રાજીનામુ સોંપ્યા બાદ બિપ્લવ કુમારે કહ્યું હતું કે, તમામ બાબત કરતાં પક્ષ મોટો છે. મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં પક્ષ માટે કામ કર્યુ છે. ભાજપનાં મુખ્યમંત્રી તરીકે મેં ત્રિપુરાની જનતા સાથે ઈન્સાફ કરવાનાં પ્રયાસ કર્યા છે. પક્ષ દ્વારા મને જે કોઈપણ ભૂમિકા સોંપવામાં આવશે તેનાં માટે મારી તૈયારી છે.
ત્રિપુરાનાં CM પદેથી બિપ્લવનું રાજીનામું: સાહાની તાજપોશી
