અમૃતસરની હોસ્પિટલમાં ભીષણ આગ : 650 દર્દી આબાદ ઉગર્યા

અમૃતસરની હોસ્પિટલમાં ભીષણ આગ : 650 દર્દી આબાદ ઉગર્યા
બે ટ્રાન્સફોર્મર ફાટયા : સજાગ તંત્રને કારણે જાનહાની ટળી
 
અમૃતસર, તા.14 : અમૃતસરની ગુરુનાનક હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગ બાદ મોટી જાનહાની સહેજમાં ટળી છે. હોસ્પિટલમાં આગ લાગી ત્યારે 6પ0 દર્દી સારવાર હેઠળ હતા જે તમામને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કરી જાહેર કર્યુ કે શ્રી અમૃતસર સાહિબમાં ગુરુ નાનક હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ ફાયર વિભાગના સ્ટાફની સતર્કતાથી સ્થિતિ કાબૂમાં છે. પરમાત્માની મહેરથી કોઈ જાનહાની થઈ નથી. મંત્રી સ્થળ પર પહોંચી ગયા છે અને રાહત બચાવ કામગીરીનું મોનિટરિંગ કરાઈ રહ્યું છે.
બનાવ બપોરે ર:00 વાગ્યા આસપાસનો છે. શનિવાર હોવાને કારણે ઓપીડીમાં દર્દીઓ ન હતા. ઓપીડીની પાછળ અને એકસ-રે યુનિટ પાસે વીજ સપ્લાયના બે ટ્રાન્સફોર્મરમાં અચાનક ધડાકો થયો અને આગ સાથે ધુમાડો ઉઠયો હતો. જોતજોતામાં આગ વિકરાળ બની અને પ્રસરી હતી. તંત્ર સજાગ હતું જેને પગલે તુરંત તમામ 6પ0 દર્દીને ચાલુ સારવારે બહાર કાઢી હોસ્પિટલ બહાર ખુલ્લામાં ઝાડ નીચે સુવડાવી દેવાયા હતા. અફરાતફરીના માહોલ વચ્ચે ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ કાબૂમાં લીધી હતી.
 
દિલ્હી અગ્નિકાંડ : 27ના મૃત્યુ, 28 લાપતા
 
નવી દિલ્હી, તા.14 : દિલ્હીના પશ્ચિમ ભાગમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે આવેલી 4 માળની એક વ્યવસાયિક ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં ર7 નાગરિકના મૃત્યુ થયા છે ર8 હજુ લાપત્તા છે જેને કારણે મૃત્યુઆંક વધવાની ભીતિ છે. 1ર અન્ય દાઝી જતાં સારવાર હેઠળ છે. પોલીસ અનુસાર હતભાગીઓમાં 6 મૃતદેહની ઓળખ થઈ શકી છે. એનડીઆરએફ દ્વારા ઈમારતમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે.
મુખ્યમંત્રી કેજરીવાલે મુંડકા અગ્નિકાંડની મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપી મૃતકોના પરિવારજનોને 10-10 લાખ તથા ઈજાગ્રસ્તો માટે પ0-પ0 હજારનું વળતર જાહેર કર્યુ હતુ. ફોરેન્સિક વિભાગની ટીમે સ્થળ તપાસ કરી હતી. પોલીસ બનાવ મામલે કેસ નોંધી કેટલાક લોકોની ધરપકડ કરી છે. કંપનીના માલિક વરુણ અને હરીશ ગોયલના પિતા અમરનાથ ગોયલ પણ સળગીને મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું છે. ઈમારતના પહેલા માળે મેન્યુફેકચરિંગ યુનિટ, બીજા માળે વેરહાઉસ અને ત્રીજા માળે એક લેબ કાર્યરત હતી

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer