ઘરનાં ઘંટી નહીં ચાટે... ઘઉંની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ

ઘરનાં ઘંટી નહીં ચાટે... ઘઉંની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ
રેકોર્ડબ્રેક નિકાસ, ગરીબ દેશોને સખાવતને પગલે ઘરેલુ બજારમાં ભાવ વધતાં કેન્દ્રનો નિર્ણય
નવી દિલ્હી, તા.14 : દેશમાં ઘઉંના વધતાં ભાવને ધ્યાને લઈ કેન્દ્ર સરકારે શનિવારે એક મહત્ત્વના નિર્ણયમાં ઘઉંની નિકાસ પર તાકીદની અસરથી પ્રતિબંધ મૂકયો હતો. કેન્દ્રએ ઘઉંને પ્રતિબંધિત શ્રેણીમાં મૂકયા છે. સરકારે કહ્યંy કે દેશની ખાદ્યાન્ય સુરક્ષાને ધ્યાને લઈ આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે બે દિવસ પહેલા જ ઘઉંની નિકાસને વધારવાનો લક્ષ્યાંક રજૂ કરાયો હતો.
એક તરફ ભારતથી મોટાપાયે ઘઉંની નિકાસ કરાઈ રહી હતી ઉપરાંત પાડોશી દેશો અને ગરીબ દેશોને મદદ કરવામાં આવી રહી હોવાથી ઘરેલું બજારમાં દબાણ વધ્યું અને ભાવ વધ્યા છે. જે દેશોમાં પહેલે થી જ નિકાસની મંજૂરી અપાઈ ચૂકી છે તે ચાલુ રખાશે એટલે કે નવેસરથી કોઈ મંજૂરી આપવામાં આવશે નહીં. વિદેશ વ્યાપાર મહાનિર્દેશાલય (ડીજીએફટી)ના 13 મે ના નોટિફિકેશનમાં આ અંગે માહિતી આપવામાં આવી છે. ભારતમાં મોંઘવારી કૂદકેને ભૂસ્કે વધી રહી છે. સ્થાનિક બજારમાં જીવન જરુરીયાતની ચીજોના ભાવ આસમાનને આંબી રહ્યા છે તેવા સમયે નિકાસ અને સખાવતને કારણે દેશમાં ઘઉંના ભાવ વધી ગયા છે.
ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ છેડાયા બાદથી દુનિયાભરમાં ઘઉંના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. સપ્લાય ઓછી   હોવાથી ભારતીય ઘઉંની માગ વધી છે. જો કે નિકાસને કારણે ઘરેલું બજારમાં ઘઉંના ભાવ વધવા લાગ્યા હતા. બીજીતરફ અનેક રાજ્યમાં સરકારની ટેકાના ભાવે ઘઉંની ખરીદી અત્યંત સુસ્ત છે. ખેડૂતોને ટેકાના ભાવ કરતાં વધુ કિંમત બજારમાં મળી રહી છે. ઘઉંના દુનિયાના બીજા સૌથી મોટા ઉત્પાદક ભારતે વર્ષ ર0ર1-રર દરમિયાન કુલ 70 લાખ ટન ઘઉંની નિકાસ કરી છે.ગત એપ્રિલ માસમાં રેકોર્ડ બ્રેક 14 લાખ ટન ઘઉં વિદેશ મોકલવામાં આવ્યા હતા. સરકારે ઘઉંની નિકાસને પ્રોત્સાહન આપવા એક પ્રતિનિધિ મંડળ ઘડયું હતું જેણે મોરક્કો, ટયૂનિશિયા અને ઈન્ડોનેશિયા સહિત 9 દેશમાં ઘઉં મોકલવાની તરફેણ કરી હતી. પરંતુ પ્રતિબંધ બાદ હવે દેશમાંથી ઘઉંની નિકાસ રોકી દેવામાં આવી છે. સ્થાનિક બજારમાં ઘઉંના વધતાં ભાવને કાબૂ કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
 
ભારત સરકારનાં ફેંસલાને વખોડતા જી-7 દેશ
નવીદિલ્હી,તા.14: યુક્રેન-રશિયાનાં યુદ્ધનાં કારણે દુનિયામાં ઉભી થયેલી ઘઉંની તંગી વચ્ચે ઘઉંનાં બીજા સૌથી મોટા ઉત્પાદક દેશ ભારતની સરકાર દ્વારા પણ ઘઉં નિકાસ ઉપર પ્રતિબંધિત કરવાનો નિર્ણય થતાં જી-7 દેશોએ તેની આલોચના કરી છે.
સાત ઔદ્યોગિક દેશોનાં આ સમૂહનાં કૃષિ મંત્રીઓએ ભારત સરકારનાં આ પગલાંનો વિરોધ કર્યો છે. જર્મનીનાં કૃષિ મંત્રી કેમ ઓઝડેમિરે કહ્યું હતું કે, જો બધા જ દેશો નિકાસ પ્રતિબંધ કે બજાર બંધ કરવાં માંડે તો આનાથી સંકટ ઓર વધી જશે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer