આકાશમાં જોઈને કોહલીએ ચીસો પાડી : ખરાબ ફોર્મથી હતાશ
નવી દિલ્હી, તા. 14 : આરસીબીના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ જારી છે. પંજાબ કિંગ્સ સામે શુક્રવારના મેચમાં કોહલી શરૂઆતમાં સારા ફોર્મમાં જોવા મળી રહ્યો હતો. જો કે કિસ્મતે ફરી એક વખત દગો દીધો હતો અને કોહલી આઉટ થયો હતો. આ સ્થિતિ પૂરા આઈપીએલની રહી છે. જ્યાં કોહલી અમુક બોલ માટે સારા ફોર્મમાં જોવા મળ્યો હતો અને બાદમાં આઉટ થાય છે.
આ વખતે કોહલી આઉટ થયો ત્યારે હસ્યો નહોતો પણ ગુસ્સે થયો હતો અને કોહલી ગુસ્સામાં આકાશ તરફ જોઈને ચીસ પાડી રહ્યો હતો. જાણે ભગવાનને સવાલ કરી રહ્યો હતો કે અંતે મારી ભૂલ શું છે ? કોહલીના આઉટ થયા બાદના વિઝયુલ સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ વાયરલ થયો છે. કોહલીને આ રીતે હતાશ જોઈને ચાહકો પણ હેરાન થયા હતા અને વીડિયો ઉપર અલગ અલગ વાત લખી રહ્યા હતા. આ મેચ બાદ કોહલીની પ્રતિક્રિયા સોશિયલ મીડિયામાં એક મુદ્દો બની છે. એક યુઝરે લખ્યું હતું કે કોહલીથી ભગવાન આટલા નારાજ કેમ છે. એક યુઝરે એમ લખ્યું હતું કે કોહલી સૌથી અનલક્કી પ્લેયર છે. આ સાથે અમુક ક્રિએટિવ મીમ પણ બનાવ્યા હતા. કોહલીનો વીડિયો ધ્યાનથી જોવામાં આવે તો તે કહેતો દેખાય છે કે તમે મારી પાસે વધુ શું કરાવવા માગો છો ?
આઉટ થતા કોહલી થયો હતાશ : ચાહકો પણ નિરાશ
