HS પ્રણયે નિર્ણાયક મુકાબલામાં જીત મેળવી અપાવી શાનદાર બઢત
નવી દિલ્હી, તા. 14: બેડમિન્ટનમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ ઈતિહાસ રચ્યો છે. બેંકોકમાં ચાલી રહેલા થોમસ કપમાં ભારતીય પુરુષ ટીમ ફાઇનલમાં પહોંચી છે. શુક્રવારના રોજ રમાયેલા સેમિફાઇનલ મુકાબલામાં ભારતે ડેનમાર્કને 3-2થી હરાવ્યું હતું. ભારતીય ટીમના જીતના હીરો એચએસ પ્રણય રહ્યો હતો. જેણે નિર્ણાયક મુકાબલામાં રાસ્મસ ગેમકોને હરાવ્યો હતો.
ડેનમાર્ક સામે ખિતાબના પહેલા મુકાબલામાં વિશ્વ ચેમ્પિયનશિપના કાંસ્ય પદ વિજેતા લક્ષ્ય સેન પોતાનાં સારાં પ્રદર્શનને દોહરાવી શક્યો નહોતો. સેનને વિક્ટર એક્સેલસેન સામે 13-21, 13-21થી હારનો સામનો કરવો પડયો હતો. જેનાથી ડેનમાર્કે 1-0થી બઢત મેળવી હતી. ત્યારબાદ સાત્વિક સાંઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીના યુગલ મુકાબલામાં જીત મેળવીને સ્કોર 1-1થી બરાબર કર્યો હતો. ભારતીય જોડીએ કિમ અસ્ટુપ અને માથિયાસ ક્રિસ્ટિયનસેનને 21-18,21-23,22-20થી મહાત આપી હતી.
આ ઉપરાંત દુનિયાના 11 નંબરના ખેલાડી કિદામ્બી શ્રીકાંતે દુનિયાના ત્રીજા નંબરના ખેલાડી એન્ડર્સ એટોસનને હરાવીને 2-1ની બઢત અપાવી દીધી હતી. જો કે કૃષ્ણા પ્રસાદ ગારાગા અને વિષ્ણુવર્ધન ગૌડ પંજાલાની યુગલ જોડીને એન્ડર્સ સ્કારૂપ અને ફ્રેડરિક સોગાર્ડથી 14-21, 13-21થી હાર મળી હતી. જેનાથી બન્ને ટીમ 2-2ની બરાબરીએ આવી હતી. અંતમાં અનુભવી ખેલાડી એચએસ પ્રણયે પહેલી ગેમ ગુમાવ્યા બાદ વાપસી કરતા પોતાની ટીમને જીત અપાવી હતી. ભારતીય ટીમ 1979 બાદથી સેમિફાઇનલથી આગળ વધી શકી નથી પણ હવે ફાઇનલ પણ પહોંચી છે.
થોમસ કપના ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા
