આજે પ્લે ઓફમાં એન્ટ્રી કરવા રાજસ્થાન સામે ટકરાશે લખનઉ

આજે પ્લે ઓફમાં એન્ટ્રી કરવા રાજસ્થાન સામે ટકરાશે લખનઉ
હાર મળશે તો રાજસ્થાનની ટીમ માટે પ્લે ઓફની રાહ બનશે મુશ્કેલ
મુંબઇ, તા. 14 : આઇપીએલ 2022માં પહેલી વખત રમી રહેલી અને શાનદાર ફોર્મમાં રહેલી લખનઉની ટીમ છેલ્લા મેચમાં હારથી બહાર આવીને રવિવારે રાજસ્થાન રોયલ્સને હરાવીને પ્લે ઓફમાં પોતાની જગ્યા નિશ્ચિત કરવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. સતત ચોથી સાથે પોઇન્ટ ટેબલમાં શીર્ષ સ્થાને રહેલી લોકેશ રાહુલની ટીમ લખનઉને છેલ્લા મેચમાં ગુજરાત સામે હારનો સામનો કરવો પડયો હતો અને ટીમે શીર્ષ સ્થાન પણ ગુમાવી દીધું હતું. લખનઉની ટીમ 16 અંક સાથે બીજા ક્રમાંકે છે અને પ્લે ઓફની શરૂઆત પહેલા વધુ એક મેચ ગુમાવવા માગશે નહીં.
રાજસ્થાનની ટીમ પણ છેલ્લા મેચમાં દિલ્હી સામે આઠ વિકેટે હાર બાદ વાપસી કરીને પ્લે ઓફ માટેનો દાવો મજબૂત કરવાની કોશિશ કરશે. લખનઉની ટીમ રાજસ્થાન સામે જીત મેળવશે તો પ્લે ઓફમાં જગ્યા નિશ્ચિત થઈ જશે જ્યારે રાજસ્થાનની ટીમ જીત મેળવશે તો પ્લે ઓફમાં જગ્યા બનાવવાની દિશામાં વધુ એક કદમ ભરશે.
લખનઉની ટીમ માટે કેપ્ટન રાહુલ અને ક્વિંટન ડીકોકને ફરી એક વખત વધુ રન એકત્રિત કરવા પડશે. ગુજરાત સામે આ બન્ને ખેલાડી સસ્તામાં આઉટ થયા હતા અને હવે રાજસ્થાન સામે ઉમદા ઇનિંગની આશા છે. રાહુલ 12 મેચમાં 459 રન સાથે ટૂર્નામેન્ટના સૌથી સફળ બેટ્સમેનમાંથી એક છે. રાહુલ બે સદી અને એક બે અર્ધસદી કરી ચૂક્યો છે જ્યારે ડીકોકે ત્રણ અર્ધસદીની મદદથી 12 મેચમાં 355 રન કર્યા છે. દીપક હુડ્ડા પણ સારા ફોર્મમાં છે અને અત્યારસુધીમાં ત્રણ અર્ધસદીની મદદથી 347 રન કરી ચૂક્યો છે. રાજસ્થાનની ટીમ ઉપર નજર કરવામાં આવે તો બટલર ઉપર ફરી એક વખત નજર રહેશ. તે 12 મેચમાં  ત્રણ સદી અને ત્રણ અર્ધસદી સાથે 625 રન કરી ચૂક્યો છે. જો કે સજુ સેમસન સારાં ફોર્મમાં નથી. બીજી તરફ પડીક્કલે છેલ્લા બે મેચમાં સારું પ્રદર્શન કર્યું છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer