ઝાંઝરડાના વેપારી પર ખૂની હુમલો કરનાર વકીલ સહિત પાંચ ઝડપાયા વેરાવળના સરકારી વકીલનું પ્રેમપ્રકરણ ખૂલતા હુમલો કર્યો’તો

(ફૂલછાબ ન્યુઝ)
જૂનાગઢ, તા.14 : ઝાંઝરડા ગામે આવેલ નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતા અને સિરામિકનો ધંધો કરતા હિરેન ચિમનભાઈ ભૂત નામના વેપારીના પાર્કિંગમાં પડેલ બાઇકમાંથી પેટ્રોલની ચોરી થતા એપાર્ટમેન્ટના લોકોને બોલાવી હિરેન ભૂતે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા વેરાવળના સરકારી વકીલ નિગમ જેઠવા એપાર્ટમેન્ટમાં રહેતા એક વ્યક્તિની ગેરહાજરીમાં તેની પત્નીને વારંવાર મળવા આવતો હતો અને પરિણીતા સાથે પ્રેમ પ્રકરણ હોવાનું ખૂલ્યું હતું.
આ પ્રકરણ સંદર્ભેની જાણ થતા વકીલ નિગમ જેઠવા  ઉશ્કેરાયો હતો અને પ્રકરણનો પર્દાફાશ કરનાર હિરેન ભૂતને મારી નાખવાના ઈરાદે સરકારી વકીલ નિગમ જેઠવા, વકીલ મિત્ર આદીલ સુમરા તથા તેના અસીલો અબ્દુલ, રફીક ઉર્ફે ટોમેટો, મુસ્તાકબાપુ અને શરીફ ઉર્ફે ભુરો સહિતના સંબંધીની કાર લઈને જૂનાગઢ આવ્યા હતા અને દુકાન બંધ કરી ઘેર જતા હિરેન ભૂત પર છરી-તલવારથી ખૂની હુમલો કરી નાસી છૂટયા હતા અને ઘવાયેલા હિરેન ભૂતને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે કાર નંબરના આધારે માલિકની પૂછતાછ કરતા સરકારી વકીલ નિગમ જેઠવા લઈ ગયાનું ખૂલ્યું હતું. પોલીસે હિરેન ભૂતની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો અને સરકારી વકીલ નિગમ જેઠવા, વકીલ આદીલ સુમરા, અબ્દુલ, રફીક ઉર્ફે ટોમેટો અને મુસ્તાકબાપુને ઝડપી લીધા હતા જ્યારે શરીય ઉર્ફે ભુરીયો ફરાર થઈ જતા શોધખોળ શરૂ કરી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer