કઠોર ગામે જ્વેલર્સમાંથી રૂ.86 લાખની ચોરીમાં બે તસ્કર ઝડપાયા

લ મુદ્દામાલ કબજે બે સાગરીત ફરાર
સુરત, તા.14 : સુરતના કામરેજ કઠોર ગામે  સોનીવાડમાં આવેલ સ્મિત જ્વેલર્સમાં ગુરુવારે રાત્રીના દીવાલમાં બાકોરુ પાડી તસ્કરો ખાબકયા હતા અને દુકાનમાંથી રૂ.4.97 લાખની રોકડ તથા ચાંદીની મૂર્તિ, સોનાના દાગીના સહિત રૂ.86.પ7 લાખની મત્તાનો હાથફેરો કરી નાસી છૂટયા હતા. આ બનાવ અંગે પોલીસે કામરેજ ચાર રસ્તા પાસેની શાંતિવીલા સોસાયટીમાં રહેતા અજયકુમાર ઈશ્વરલાલ પારેખની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો.
દરમિયાન આ મામલે પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને કેમેરામાં કેદ તસ્કરોની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન પોલીસે કઠોર ગામે દરજી  ફળિયામાં રહેતા ગુલામહુશેન ઉર્ફે ગુલ્લુ ઉર્ફે ઈમરાન અહમદ કોટવાલ અને રાજસ્થાનના અને હાલમાં કઠોર ગામે રહેતા અરવિંદ બહાદુર ડીડોવને ઝડપી લીધા હતા. ઇન્ને શખસોએ રોકડ, સોના-ચાંદીના દાગીના પોટલું બાંધી કઠોર બસ સ્ટેન્ડમાં આવેલી ઝાડીમાં સંતાડયા હોવાની કબૂલાત આપતા પોલીસે કબજે કર્યા હતા.
પોલીસની આકરી પૂછતાછ અને તપાસમાં સાગરીતોમાં આકીબ જુનેદ શેખ સહિતના બે શખસોની શોધખોળ શરૂ કરી હતી.પોલીસે પકડાયેલા બન્ને તસકરોને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer