મોટાપાયે ભાવિકો ઉમટી પડતાં નિર્ણય : 28 જણનાં મૃત્યુ બાદ ધામીએ કહ્યું, બીમાર લોકો પછી યાત્રા કરે
દહેરાદૂન, તા. 13 : ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં શ્રદ્ધાળુઓની ઐતિહાસિક ભીડ વચ્ચે વહીવટતંત્રે વીઆઈપી પ્રવેશ પર રોક લગાવી દીધી છે. ડીજીપીએ આજે જણાવ્યું હતું કે હવે તમામ મહાનુભાવો-વીઆઈપી લોકોએ સામાન્ય લોકોની જેમ જ દર્શન કરવા પડશે અને એ માટે માત્ર બે કલાકનો સમય આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે યોગ્ય વ્યવસ્થાના અભાવે 28 જણનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.દરમ્યાન,રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ લોકોને અપીલ કરી છે કે જે લોકોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ હોય તે થોડા દિવસ બાદ યાત્રા કરે.
કોરોનાને કારણે લગભગ બે વર્ષ બાદ ચારધામ યાત્રા શરૂ થઈ છે અને દર્શન કરવા માટે બહુ વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડયા છે.છેલ્લા છ દિવસમાં જ લગભગ એક લાખ 30 હજાર ભાવિકો દર્શન કરી ચૂક્યા છે. બહુ લોકો ઉમટી પડતાં વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. અનેક લોકોનાં મોત થઈ ચૂક્યા છે. રુદ્રપ્રયાગથી 11 બીમારને એરલીફ્ટ કરીને યોગ્ય સ્થળે પહોંચાડાયા હતા.એક તબક્કે કેદારધામમાં ભાગદોડ અને લાઠીચાર્જની સ્થિતિ પણ સર્જાઈ હતી.
હવે ચારધામમાં લોકોએ એક જ કતારમાં ઉભા રહીને દર્શન કરવા પડશે અને તેમને બે કલાકમાં દર્શન કરાવવાની પણ સૂચના અપાઈ છે.
કેદારનાથમાં હવે VIP દર્શનની વ્યવસ્થા બંધ
