દેશમાં કોરોનાના નવા 2841 કેસ નવ દર્દીનાં થયાં મૃત્યુ: સક્રિય કેસ 18604

દેશમાં કોરોનાના નવા 2841 કેસ નવ દર્દીનાં થયાં મૃત્યુ: સક્રિય કેસ 18604
નવી દિલ્હી, તા. 13 (પીટીઆઈ) : ગઈકાલની તુલનામાં કેસોમાં 0.49 ટકા વધારા સાથે કોરોના સંક્રમણના 2,841 નવા મામલા અને નવ મૃત્યુ 24 કલાકમાં સામે આવ્યા બાદ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા  4,31,16,254 થઈ હતી. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 18,604 થઈ હતી. કુલ મૃતક સંખ્યા  5,24,190 થઈ હતી એમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં કેસોમાં ફરી વધારા સાથે 1032 મામલા સામે આવ્યા હતા. દેશમાં કોવિડ-19ના ઉપચારાધીન દર્દીઓની ટકાવારી કુલ મામલાના 0.04 ટકા થઈ હતી.જ્યારે દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.74 ટકાએ જળવાયેલો રહ્યો હતો. અદ્યતન કરવામાં આવેલા આંકડાઓ અનુસાર  24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 463નો ઘટાડો નોંધાયો હતો. સંક્રમણનો દૈનિક દર  0.58 ટકા અને સાપ્તાહિક દર 0.69 ટકા થયો હતો. દેશમાં અત્યાર સુધી કુલ 4,25,73,460 લોકો સંક્રમણમુક્ત થયા હતા એઁમ મંત્રાલયે જણાવ્યું હતું. મૃત્યુદર 1.22 ટકા રહ્યો હતો.
દેશમાં કોરોના વાયરસ સામે જારી રાષ્ટ્રીય રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 190.99 કરોડથી વધુ કોવિડ રસી ડોઝ આપવામાં આવ્યા છે.
-------------
રસીને મંજૂરીની સિસ્ટમ સુધારે WHO: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં સુધાર અને રસી તેમજ દવાઓ માટે અરજીની પ્રક્રિયાને વ્યવસ્થીત બનાવવાનું આહવાન કર્યું હતું. સાથે જ વિશ્વ વ્યાપાર સંગઠનના નિયમોને વધારે સરળ બનાવવાની જરૂરીયાત ઉપર ભાર મુક્યો હતો. પીએમ મોદીએ આ વાત કોરોના ઉપર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા આયોજીત બીજા ડિજીટલ વૈશ્વિક શિખર સંમેલનમાં પોતાના સંબોધન દરમિયાન કરી હતી. વધુમાં ભવિષ્યની સ્થિતિને ટક્કર આપવા માટે એક સમન્વિત વૈશ્વિક ઉપાયની જરૂરીયાત ઉપર ભાર મુકતા કહ્યું હતું કે,  એક અસરકારક વૈશ્વિક આપુર્તિ ચેઈનનું નિર્માણ અને રસી તેમજ દવાઓની યોગ્ય પહોંચ સુનિશ્ચિત થવી જોઈએ. વિશ્વ વ્યાપાર સંગઠનના નિયમોને સરળ બનાવવાના પીએમના આહવાન પહેલા ભારત અને દક્ષિણ આફ્રિકાએ ગયા વર્ષે મહામારીનો યોગ્ય સામનો કરવા માટે રસીના ઉત્પાદન માટે બૌદ્ધિક સંપદાના અધિકારમાં અસ્થાયી છૂટનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer