મોંઘવારીમાં ઝંખવાતી ઉજજવલા યોજના

મોંઘવારીમાં ઝંખવાતી ઉજજવલા યોજના
ગયા નાણાકીય વર્ષમાં 90 લાખ લાભાર્થીએ સિલિન્ડર ન લીધાં: છઝઈંમાં થયો ખુલાસો
નવી દિલ્હી, તા. 13  : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ઉજ્જવલા યોજનાને પોતાની મોટી સિદ્ધિઓ પૈકીની એક ગણાવતી રહી છે ત્યારે એક આરટીઆઈમાં થયેલા ખુલાસા અનુસાર ગયા નાણાકીય વર્ષ દરમ્યાન દેશમાં 90 લાખ લાભાર્થીએ એક પણ વખત સિલિન્ડરને ભરાવ્યું નથી. આ ઉપરાંત એક કરોડથી વધુ લાભાર્થીએ એક વર્ષ દરમ્યાન માત્ર એક જ વખત સિલિન્ડર લીધું હતું. સતત વધી રહેલા સિલિન્ડરના ભાવોને કારણે તેના ભાવ એક હજાર રૂપિયા થઈ ચૂક્યા છે અને યોજનાના લાભાર્થીઓ ઊંચા ભાવના સિલિન્ડર ખરીદવા અસમર્થ હોવાથી ફરી સિલિન્ડર લઈ રહ્યા ન હોવાનું જાણકારો કહી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઉજ્જવલા યોજનાને તાજેતરની વિધાનસભા ચૂટણીઓ ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં ભાજપને મળેલી મોટી સફળતા સાથે જોડીને જોવાતી હતી. એક આરટીઆઈના જવાબમાં મળેલી માહિતી અનુસાર આ યોજનાના કરોડો લાભાર્થી સિલિન્ડર ભરાવી રહ્યા નથી. આરટીઆઈ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે ત્રણે સરકારી તેલ વિક્રેતા કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ., હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનથી લાભાર્થીઓ અંગે અમુક સવાલોના જવાબ માગ્યા હતા.
કંપનીઓએ આરટીઆઈના જવાબમાં જે આંકડા આપ્યા હતા તેનાથી સામે આવ્યું હતું કે ગયા નાણાકીય વર્ષ એટલે કે એપ્રિલ 2021થી માર્ચ 2022 દરમ્યાન 90 લાખ લાભાર્થીએ એક વખત પણ સિલિન્ડર ભરાવ્યું ન હતું. એ ઉપરાંત એક કરોડથી વધુ લાભાર્થીએ આખા વર્ષ દરમ્યાન માત્ર એક જ વખત સિલિન્ડર ભરાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના બલિયાથી 2016માં આ યોજનાની શરૂઆત કરી હતી. તે વખતે માર્ચ 2020 સુધી આ યોજના હેઠળ 8 કરોડ જોડાણનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું હતું. તે પછી આ યોજનાનું બીજું ચરણ પણ શરૂ કરાયું હતુ અને અત્યાર સુધીમાં દેશમાં ઉજ્જવલા યોજના હેઠળ 9 કરોડથી વધુ જોડાણ આપવામાં આવી ચૂક્યાં છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer