ટ્વિટરનો સોદો બ્લોક!

ટ્વિટરનો સોદો બ્લોક!
44 અબજના સોદામાં ‘રૂક જાવ’ની એલન મસ્કની ઘોષણા: કંપનીના શેરોમાં નોંધાયો કડાકો
નવી દિલ્હી, તા. 13  : લોકપ્રિય માઈક્રોબ્લોગિંગ સાઈટ ટવીટરના વેચાણનો સોદો અટકી પડયો છે. ટેસ્લાના માલિક એલન મસ્કે આજે જણાવ્યું હતું કે ટવીટરનો 44 અબજ ડોલરનો સોદો અસ્થાયી રીતે અટકાવવામાં આવ્યો છે. તેમણે પોતાના આ ટવીટની સાથે રોયટર્સના એક લેખની લિંક પણ શેર કરી હતી. ટવીટર સોદો અટકવા પાછળનું કારણ સ્પેમ ખાતાની ગણતરીઓને બતાવવામાં આવી રહ્યું છે.
મસ્કે જણાવ્યું હતું કે સ્પેમ અને નકલી ખાતાંઓના મુદ્દે આ સોદો અટકી પડયો છે.
મસ્કે ટવીટમાં જણાવ્યું હતું કે  ટવીટર સોદાને કામચલાઉ રીતે અટકાવવામાં આવ્યો છે. કેમકે સ્પેમ અથવા બનાવટી ખાતાંઓની ગણતરીની મેળવણી હજુ બાકી છે જે પાંચ ટકા યુઝર્સથી અવશ્ય જ ઓછા છે.
સોદો અટક્યાનું બહાર આવતાંની સાથે જ સોશિયલ મીડિયા કંપની ટવીટરના શેરમાં 20 ટકાનો ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
ટવીટરે આ ઘટનાક્રમ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. કંપનીએ આ પહેલાં મહિનામાં ગણતરી કરી હતી કે પહેલા ત્રિમાસિક ગાળામાં તેના બનાવટી કે સ્પેમ ખાતાં સક્રિય યુઝર્સથી પાંચ ટકા ઓછા છે.
કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે જ્યાં સુધી એલન મસ્ક સાથેનો આ સોદો પૂરો થતો નથી, ત્યાં સુધી તેની સામે અનેક પડકારો રહેશે.
એલન મસ્ક દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે અને ટેસ્લાના સીઈઓ છે. તેમણે કહ્યું હતું કે પ્લેટફોર્મ પરથી ‘સ્પેમ બોટ્સ’ને હટાવવા એ તેમની પહેલી પ્રાથમિકતા રહેશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer