વીજળી આપશે ઝટકો: ફ્યૂઅલ સરચાર્જમાં 20 પૈસાનો વધારો

1.30 કરોડ વીજગ્રાહકોને માથે વર્ષે  $ 3240 કરોડનો બોજ: પાંચ મહિનામાં ચોથી વખત ભાવ વધ્યા
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા. 13: મોંઘવારીના ખપ્પરમાં પીડાતી પ્રજાએ હવે વીજળીનો ઉપયોગ કરવા વધુ ચૂકવણી કરવી પડશે. જીયુવીએનએલએ ફ્યૂઅલ સરચાર્જમાં 20 પૈસા વધાર્યા છે. તેના પરિણામે 1 મેથી પ્રતિ યુનિટનો ભાવ 2.50 રૂપિયા વસૂલાશે. જોકે, ખેડૂતોને આ ભાવ વધારો લાગુ નહીં કરાય. સરકારના આ નિર્ણયથી 1.30 કરોડ વીજગ્રાહકોને માથે વર્ષે  રૂ. 3240 કરોડનો બોજ વધશે. 
ફ્યૂઅલ સરચાર્જમાં કરાયેલા વધારાથી રાજ્યના 1.30 કરોડ ગ્રાહકોને સીધી અસર થશે. આ વધારો ફ્યૂઅલ પ્રાઇસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટદીઠ 2.30 વધારીને રૂ. 2.50 કરવામાં આવ્યા છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમે ચાર વીજ વિતરણ કંપનીઓને 1લી મેથી ફ્યૂઅલ પ્રાઇસ એન્ડ પાવર પરચેજ એગ્રીમેન્ટ (એફપીપીપીએ) હેઠળ યુનિટદીઠ 20 પૈસા લેવાની છૂટ આપી છે. છેલ્લાં પાંચ મહિનામાં રાજ્ય સરકારે ચોથી વાર ફ્યૂઅલ સરચાર્જના ભાવ વધાર્યાં છે. જાન્યુઆરીથી માર્ચ 2022ના ત્રિમાસિક ગાળા માટે એફપીપીપીએમાં યુનિટદીઠ 10 પૈસાનો વધારો કરાયો હતો. આમ, ચાર મહિનાના ગાળામાં 50 પૈસાનો વધારો ઝીંકાયો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer