57 શાળાને બોગસ ટ્રસ્ટના નામે જોડાણ અપાયા

બોગસ સર્ટીફિકેટ કૌભાંડની તપાસમાં ખુલ્યું મોટું કૌભાંડ: શૈક્ષણિક બોર્ડની માન્યતા વગર દિલ્હીના ટ્રસ્ટના
નામે જોડાણ અપાયા’તાં
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા. 13: કોઇપણ જાતની માન્યતા વગર ડિપ્લોમા સહિતના કોર્ષના બોગસના બોગસ સર્ટીફિકેટ આપવાના કૌભાંડની તપાસમાં મોટું કૌભાંડ ખુલ્યું છે. દિલ્હીના ટ્રસ્ટના નામે શૈક્ષણિક બોર્ડની માન્યતા વગર રાજકોટની બે સહિત 57 જેટલી શાળાને જોડાણ અપાયાનું ખુલ્યું છે.આ અંગે પાંચ સામે ગુનો નોંધાયો છે.
સૌરાષ્ટ્રઇલેકટ્રોનિકસ ઇન્સ્ટિટયૂટ ઓફ  ટેકનોલોજીના નામે ડિપ્લોમા કોર્ષની બોગસ ડિગ્રી અને માર્કશીટ આપવા અંગે પકડાયેલા અને રિમાન્ડ પર લેવાયેલા જયંતી લાલજીભાઇ સુદાણીની ક્રાઇમ બ્રાંચના ઇન્સ.જયેશ વેલજીભાઇ ધોળાએ કરેલી સઘન પૂછપરછમાં એવી વિગત પ્રકાશમાં આવી હતી કે, જયંતી સુદાણી અને તેના મળતિયા જીતેન્દ્ર અમૃતલાલ પીઠડિયા, પરેશ પ્રાણશંકર વ્યાસ, કેતન હરકાંતભાઇ જોષી અને તનુજાસિંગે કોઇપણ જાતના સરકારી શિક્ષા વિભાગ કે અન્ય સરકાર માન્ય કોઇ શૈક્ષણિક બોર્ડની માન્યતા મેળવ્યા વગર માત્રના દિલ્હીના  બોર્ડ ઓફ  હાયર સેકન્ડરી એજ્યુકેશન ટ્રસ્ટના નામે રાજકોટની બે મળી 57 શાળાને બોગસ જોડાણ આપી દીધા હતાં.
આ અંગેની વિગતો આપતા ક્રાઇમ બ્રાંચના ડીસીપી ડૉ. ગોહીલે જણાવ્યું હતું કે, બોગસ સર્ટીફિકેટ અંગે પકડાયેલા જયંતી સુદાણીની પૂછપરછમાં ખાંભાના કેતન હરકાંતભાઇ જોષીની અટકાયત કરવામાં આવી હતી. કેતનની પૂછપરછમાં બોગસ સર્ટીફિકેટના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. 2011ની સાલમાં રાજકોટના અશોક લાખાણી અને પાંડે નામના શખસે દિલ્હી જઇને બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન નામનું ટ્રસ્ટ રજીસ્ટ્રર કરાવ્યું હતું. આ ટ્રસ્ટના નામે જુદા જુદા કોર્ષના બોગસ સર્ટીફિકેટ વેચવાનું શરૂ કર્યું હતું. 2017ની સાલમાં દિલ્હી ક્રાઇમ બ્રાંચે બોગસ સર્ટીફિકેટ કૌભાંડ પકડયું હતું. ત્યારે ટ્રસ્ટના નામે સર્ટીફિકેટ વેચતા હોવાનું ખુલ્યું હતું. આ ટ્રસ્ટમાં જયંતી સુદાણીને ટ્રસ્ટી બનાવાયો હતો. દિલ્હીમાં કૌભાંડ પકડાયા પછી પણ બોગસ સર્ટીફિકેટ વેચવાનું ચાલુ રખાયું હતું.રાજકોટમાં એસઇઆઇટી વિદ્યામંદિર અને મારૂતિ એમ બે શાળા  સહિત જુદા જુદા રાજ્ય મળી કુલ શાળાને દિલ્હીના ટ્રસ્ટના નામે જોડાણ અપાયા હતાં. જો કે, રાજકોટની  બે શાળા 2019માં બંધ કરી દેવામાં આવી હતી. આ કૌભાંડ સાથે જયંતી સુદાણી, કેતન જોષી ઉપરાંત જીતેન્દ્ર અમૃતલાલ પીઠડિયા, પરેશ પ્રાણશંકર વ્યાસ, દિલ્હીની તનુજાસિંગ વગેરે સંડોવાયેલા છે. આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ક્રાઇમ બ્રાંચની એક ટીમને તપાસાર્થે દિલ્હી રવાના કરવામાં આવી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા મહિલા સહિતના શખસોને ઝડપી લેવા તજવીજ ચાલે છે. આ બનાવ અંગે ક્રાઇમ બ્રાંચના ઇન્સ. જે.વી. ધોળાની ફરિયાદ પરથી ગુનો નોંધવામાં આવ્યો છે

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer