જૂનાગઢના એડવોકેટના બંધ મકાનના તાળા તોડી 4 લાખના મુદામાલની ચોરી

જૂનાગઢ, તા.13: જૂનાગઢમાં તસ્કરોએ માથું ઉંચક્યું હોય તેમ એક વકિલના બંધ મકાનના તાળા તોડી કબાટમાંથી ડોલર, રોકડ, દાગીના મળી કુલ રૂા. 4 લાખના મુદામાલની ચોરી કરી લઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
આ અંગેની વિગત પ્રમાણે અહીંના ગાંધીગ્રામમાં કોન્વેન્ટ સ્કૂલ પાછળ, પોલીસ સ્ટેશન નજીક રહેતા એડવોકેટ સુભાષચંદ્ર માલદેવ ગલ ગત તા.11ના રાત્રીના 8 વાગ્યે પોતાના મકાનને તાળા મારી શહેરમાં સંબંધીના લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યારે માત્ર બે કલાક બંધ રહેલા મકાનના કોઈ તસ્કરોએ તાળા તોડી, અંદર પ્રવેશી બેડરૂમના કબાટમાંથી રોકડ, ડોલર, સોનાના દાગીના વિગેરે મળી કુલ રૂા.4.05 લાખના મુદામાલની ચોરી કરી લઈ ગયા હતા.
આ પરિવાર રાત્રીના ધરે પહોંચતા દરવાજાના તાળા તુટેલ જોઈ ચોંકી ઉઠયો હતો. તપાસ કરતા તસ્કરો ત્રાટક્યાનું જણાતા આ અંગે પોલીસને જાણ કરતા ‘સી’ ડીવીઝનના પી.એસ.આઈ જે.જે.ગઢવી તથા સ્ટાફ દોડી આવ્યો હતો અને આ બનાવમાં સુભાષચંદ્ર ગલની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer