ખંભાળિયા, તા. 13: અહીંના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા ખંભાળીયા ભાજપના તાલુકા મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન ધર્મેન્દ્રભાઈ જોશીની આશરે 22 વર્ષીય પુત્રી હેમાંગીબહેનને ઝેર પી આપઘાત કરવો પડે તેવા સંજોગો ઉભા કરવા અંગે તેના ભાવિ પતિ રત્નદીપ રમેશભાઇ ખેતિયા સામે ગુનો નોંધાયો હતો.
ગાયત્રીનગર સિકોતેર પાનની સામેની ગલીમાં રહેતા કિરણબેન જોશીની પુત્રી હેમાંગીબેનની રત્નદીપ રમેશભાઈ ખેતીયા સાથે સગાઈ થયેલ હતી. થોડા સમય બાદ રત્નદીપએ હેમાંગીબેન સાથે નાની નાની વાતોમાં ઝઘડા કરવા લાગતા તેમની સાથે હેમાંગીબેનની સગાઈ તોડી નાખેલ હતી. તેમ છતાં પણ આરોપી રત્નદીપએ હેમાંગીબેનને સગાઈ નહિ તોડવા માટે બળજબરી તેમજ દબાણ કરવામાં આવતું હતું. એટલું જ નહીં તેમને કોઈ સંબંધી સાથે કોઈ જગ્યાએ જાય ત્યારે પણ તે હેમાંગીબેનને કોઈની સાથે નહિ જવા માટે વારંવાર દબાણ કરવામાં આવતું હતું. તેમના સોશિયલ મીડિયામાં પણ કોઈ ફોટા શેર નહિ કરવા વારંવાર હેમાંગીબેન તથા ફરિયાદી કિરણબેન તથા તેમના ઘરના સભ્યો સાથે ઝઘડો કરી ઘરે આવીને હેમાંગીબેન સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો. આ માનસિક ત્રાસથી કંટાળી ગયેલી હેમાંગીબેનએ ગત તા.6ના રોજ હાથે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર બનાવ અંગે પોલીસે મૃતકની માતા કિરણબેનની ફરિયાદ પરથી હેમાંગીબેનને મરી જવા મજબૂર કરનાર રત્નદીપ રમેશભાઈ ખેતીયા વિરુદ્ધ
પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.