જામનગર એરફોર્સના 3 અધિકારીઓને આજીવન કેદ

રસોયાના કસ્ટોડિયલ ડેથ સંદર્ભે સ્પે.અદાલતે આપેલો ચૂકાદો : એરફોર્સની કેન્ટીનમાંથી  દારૂની 94 બોટલ ચોરવાનો આરોપ : ચારને નિર્દોષ ઠરાવાયા : એક હજુ ફરાર (ફૂલછાબ ન્યુઝ)
જામનગર, તા.13 :  ભારતીય વાયુસેનાના ત્રણ અધિકારીઓને 27 વર્ષ પહેલા રસોયાના કસ્ટોડિયલ ડેથ માટે સ્પેશ્યલ સીબીઆઇકોર્ટે  દોષિત ઠેરવ્યા છે. કોર્ટે નિવૃત્ત ગ્રુપ કેપ્ટન અનુપ સુદ, નિવૃત્ત સાર્જન્ટ અનિલ કે.એન. અને સેવા આપતા સાર્જન્ટ મહેન્દ્રસિંહ શેરાવતને આજીવન કેદની સજા ફટકારી છે.
 આ ઘટના નવેમ્બર 1995ની છે. જ્યારે રસોયા ગિરજા રાવત પર એરફોર્સના સીએસડી મેસમાંથી દારૂની94  બોટલ ચોરવાનો આરોપ હતો. આઈએએફ સત્તાવાળાઓએ આ ચોરી અંગે જામનગર શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ સાથે જ જામનગર એરફોર્સ સ્ટેશનના એર કોમોડોરે આ મામલે આંતરિક તપાસના આદેશ આપ્યા હતાં.
આ સંબંધમાં  12 આઈએએફ અધિકારીઓએ જામનગરમાં એરફોર્સ-1ના સિવિલિયન કવાર્ટર્સમાં રાવતના ઘરની તપાસ હાથ ધરી હતી અને તેની અટકાયત કરી હતી.તેને પૂછપરછ માટે મુખ્ય ગાર્ડ રૂમમાં લાવવામાં આવ્યો હતો. બીજા દિવસે સવારે રાવતને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જયાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તેના પોસ્ટમોર્ટમમાં મૃત્યુ આંતરિક અને બાહ્ય ઈજાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું જે બાદ રાવતની વિધવા શકુંતલા દેવીએ આઈએએફ અધિકારીઓ સામે સ્થાનિક પોલીસમાં એફઆઈઆર નોંધાવી તેમના પતિની હત્યાનો આરોપ લગાવ્યો. આ મામલે તપાસ શરૂ થઈ અને સાત અધિકારીઓ સામે હત્યા અને ગુનાહિત ષડયંત્ર સહિત અન્ય આરોપો માટે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. બાદમાં વિધવાએ તપાસ કેન્દ્રીય એજન્સીને ટ્રાન્સફર કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી.હાઈકોર્ટ દ‰ારા કેસની સુનાવણી કરીને આ તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ)ને સોંપવામાં આવી હતી.કેન્દ્રીય એજન્સીએ દોષિત ઠેરવવામાં આવેલા ત્રણ અધિકારીઓ સહિત આઠ આરોપીઓ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી.જયારે એક આરોપી જેએસ સિધ્ધુ ફરાર છે.બાકીના ચાર અધિકારીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. સૂદ, અનિલ અને શેરાવતને સજા આપતી વખતે કોર્ટે કહયું કેટલીક ગુમ થયેલી દારૂની બોટલોની તપાસની આડમાં પૂછપરછ માટે લઈ ગયા પછી એક નાગરિકની હત્યા કરવા બદલ સેનાના અધિકારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. દોષિતોએ મૃતક પાસેથી કબૂલાત લેવાનું કાવતરૂ ઘડયા પછી જયારે મૃતક કસ્ટડીમાં હતા ત્યારે પીડિતને ત્રાસ આપવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. કાયદાનું અમલીકરણ કરતી એજન્સીઓ દ‰ારા કસ્ટોડિયલ યાતના એ ખરેખર કાયદાના શાસન દ્વારા સંચાલિત સમાજમાં સૌથી ખરાબ પ્રકારનો ગુનો છે. કોર્ટે દરેક દોષિતો પર રૂા.10,000 નો દંડ પણ લગાવ્યો છે અને ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરીટીને વિધવાને વળતર આપવાનો આદેશ આપ્યો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer