-સુરતના હજીરા મોરામાં પાર્ક કરેલી ખાનગી બસ તેમજ રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે સિટી બસમાં આગ લાગી : ડ્રાઇવર-કન્ડકટરની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
(ફૂલછાબ ન્યૂઝ) સુરત, રાજકોટ, તા.22 : સુરતના વરાછા વિસ્તારમાં હિરાબાગ સર્કલ ખાતે તાજેતરમાં રાજધાની ટ્રાવેલ્સની બસમાં એકાએક આગ લાગતા એક મહિલા મુસાફર બળીને ભડથું થઈ ગઈ હતી ત્યારે ફરી સુરત અને રાજકોટમાં બસમાં આગ લાગવાની બે ઘટના સામે આવી છે જો કે, સદ્દભાગ્યે તેમાં કોઈ જાનહાનિ થઈ નથી. સુરત નજીકના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર હજીરા મોરામાં ગત મોડી રાત્રે એક ખાનગી મેદાનમાં પાર્ક કરેલી ખાનગી બસમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. આગના કારણે ભાગદોડ મચી જવા પામી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું અને આખેઆખી બસ સળગીને ખાક થઈ ગહી હતી.આગ અગેની જાણ થતાં સ્થાનિક ઈન્ડસ્ટ્રીયલ ફાયર વિભાગ અને સુરત મહાપાલિકાનો ફાયરસ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જો કે, આ દુર્ધટનામાં કોઈ જાનહાનિ ન થતાં સત્તાધિશો અને ફાયર વિભાગે હાશકારો અનુભવ્યો હતો.
બસમાં આગ લાગવાની એક બીજી ઘટના રાજકોટમાં ઘટી છે. અત્રેના ભક્તિનગર સર્કલ નજીક મનપાની સિટી બસમાં એકાએક આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી. મનપા સંચાલિત સિટી બસ સેવાની એમ13ની બસ રૂટ નં.7 કે જે બજરંગવાડીથી ભક્તિનગર સર્કલના રૂટ પર ચાલે છે તે આજે સવારે 9.20 વાગ્યા આસપાસ ભક્તિનગર સર્કલ નજીક સ્ટોપ પર પહોંચીને ઉભી હતી અને બાદમાં ડ્રાઈવરે જેવો સેલ્ફ માર્યો તો એન્જિનમાંથી ધુમાડાના ગોટા સાથે આગ ભભૂકી ઉઠી હતી.
આગ એટલી વિકરાળ હતી કે, બસનો આગળનો ભાગ બળીને ખાક થઈ ગયો હતો. આ સમયે બસમાં મુસાફરો હતાં જો કે, ડ્રાઈવર અને કંડક્ટરે સમય સુચકતા વાપરી પોતાની સાથે તેઓને પણ બસની નીચે ઉતારી દીધા હતાં અને જાનહાનિ ટળી હતી. આગ એટલી વિકરાળ હતી કે, બસની બાજુમાં પડેલુ એક્ટિવા અને બાઈક પણ તેની ઝપેટમાં આવી ગયાં હતાં. તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. વાયરીંગમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે.
સુરત અને રાજકોટની વધુ બે બસ ભડભડ સળગી !: જાનહાનિ ટળી
