મુંબઇમાં 20 માળની ઇમારત ભડકે બળી: 7નાં મૃત્યુ

મુંબઇમાં 20 માળની ઇમારત ભડકે બળી: 7નાં મૃત્યુ
-ઇમારતનાં 18મા માળે આગ લાગી: ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કઢાયા: 15ને ઇજા
મુંબઈ, તા.22: દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખાતા મુંબઈ શહેરના તાડદેવ વિસ્તારમાં આજે વહેલી સવારે લગભગ સાડા સાત વાગ્યાની આસપાસ એક 20 માળની ઈમારતમાં આગ લાગવાની ઘટના બની છે. દુર્ઘટનામાં અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકોને ઈજા પહોંચી છે. આ આગ બિલ્ડિંગના 18મા માળ પર લાગી હતી. આગ લાગવાના સમાચાર મળતા ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે રેસ્કયૂ ઓપરેશન શરૂ કરી દીધું હતું. બિલ્ડિગમાં ફસાયેલા લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા  પ્રાથમિક જાણકારી અનુસાર, મુંબઈના નાના ચૌક પાસે આવેલી જે ઈમારતમાં આગ લાગી છે તેનું નામ કમલા છે. ઈજાગ્રસ્ત લોકોને નજીકમાં આવેલી ભાટિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આ વ્યા હતા. પ્રાથમિક સારવાર પછી બાર લોકોને સામાન્ય વોર્ડમાં શિફટ કરવામાં આવ્યા છે. અમુક દર્દીઓની સારવાર આઈસીયુમાં ચાલી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. બીએમસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધી સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. આગને કારણે ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. એવી અટકળો ચાલી રહી છે કે શોર્ટ સર્કિટને કારણે આગની આ ઘટના બની છે. તપાસ પછી જ આગનું સાચું કારણ સામે આવી શકશે. મુંબઈના મેયરે જણાવ્યું કે, નજીકની ભાટિયા હોસ્પિટલમાં બેડ ફુલ થઈ ગયા છે. આસપાસની હોસ્પિટલોને બેડ ખાલી રાખવાની સૂચના આપવામાં આવી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer