પાંચ રાજ્યોમાં ચૂંટણીસભાઓ પર હજુયે પાબંદી

પાંચ રાજ્યોમાં ચૂંટણીસભાઓ પર હજુયે પાબંદી
-ચૂંટણીપંચે 31 જાન્યુઆરી સુધી રોક લંબાવી, ઘરોઘર પ્રચારમાંયે પાંચથી વધુ નહીં
 
નવી દિલ્હી, તા. 22: કોરોના વાયરસનાં વધતાં સંક્રમણ વચ્ચે ચૂંટણી પંચ કોઈપણ જાતનું જોખમ લેવા તૈયાર નથી. પંચે શનિવારે ચૂંટણી રેલીઓ, રોડ શો, જુલુસ પર મુકાયેલી પાબંદી હજુ એક અઠવાડિયાં સુધી 31 જાન્યુઆરી સુધી લંબાવી દીધી છે.
કોરોના સંક્રમણનો ફેલાવો તેમજ રસીકરણની સ્થિતિની સમિક્ષા માટે શનિવારે યોજાયેલી દેશનાં ચૂંટણીપંચની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણી પહેલા આ ફેંસલા સાથે મુખ્ય ચૂંટણી કમિશ્નર સુશીલ ચન્દ્રાએ એવી ચેતવણી આપી હતી કે, આ નિયંત્રણોમાં ઉલ્લંઘન સામે પગલાં નહીં લેનાર અધિકારીઓ સામે પંચ પગલાં લેશે.
રાજયમાં મુખ્યસચિવ અને જિલ્લામાં કલેકટર કોવિડ પ્રોટોકોલનું પુર્ણપાલન સુનિશ્ચિત કરવા માટે વ્યક્તિગત રીતે જવાબદાર રહેશે, તેવું તેમણે ઉમેર્યું હતું. એટલું જ નહીં, પરંતુ ડોર ટુ ડોર કેમ્પેઈન એટલે કે, ઘરોઘર જઈને પ્રચાર કરવામાં પણ પાંચ વ્યક્તિઓની સીમા પંચે બાંધી નાખી છે.
દેશનાં આરોગ્ય મંત્રાલય તેમજ જયાં ચૂંટણીઓ થવાની છે. તે ગોવા, ઉત્તરપ્રદેશ સહિત રાજયોમાં મુખ્યસચિવો સાથે શ્રેણી બધ્ધ વર્ચ્યુઅલ બેઠકો બાદ આજની બેઠકમાં આ ફેંસલો લેવાયો છે.
કયાંક રસીકરણની મંદગતિ તો કયાંક લક્ષ્ય પાર પાડવામાં સમય લાગવાનાં કારણે ચૂંટણીપંચે હજુ એક સપ્તાહ પાબંદી લંબાવવાનો નિર્ણય લીધો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer