કેનેડા-અમેરિકા સરહદે ગેરકાયદે ઘૂસણખોરી કરતાં : -35 ડિગ્રી ઠંડીમાં 4 ગુજરાતીના મૃત્યુ

કેનેડા-અમેરિકા સરહદે ગેરકાયદે ઘૂસણખોરી કરતાં : -35 ડિગ્રી ઠંડીમાં 4 ગુજરાતીના મૃત્યુ
-અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવા જતાં એક વાનમાં 15 લોકો ઝડપાયા છે જેમાં બે ભારતીયો છે : મૃતક 4 ગુજરાતીની ઓળખ જાહેર થઈ નથી
 
વોશિંગ્ટન, તા.રર : અમેરિકા-કેનેડાની સરહદે એક ગુજરાતી પરિવારના 4 સદસ્યોના ભીષણ ઠંડીમાં થીજી જવાથી મૃત્યુ થયાનો હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. જે જગ્યાએ બનાવ બન્યો ત્યાં માઈનસ 3પ ડિગ્રી સે. તાપમાન હતુ અને મૃતક ચારેય ગેરકાયદે તસ્કરોના મોટા ગ્રુપથી જુદા પડી ગયાનું માનવામાં આવે છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવા જતાં એક વાનમાં 1પ લોકો ઝડપાયા છે જેમાં બે ભારતીયો છે. મૃતક 4 ગુજરાતીની ઓળખ જાહેર થઈ નથી.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે સરકાર માનવ તસ્કરીના દ્રષ્ટિકોણથી તપાસ કરી રહી છે અને અમેરિકા સાથે મળી તેને રોકવા સંભવ દરેક પ્રયાસ કરાઈ રહ્યા છે. ટ્રુડોનું નિવેદન એવા સમયે આવ્યુ જ્યારે અમેરિકા સાથે જોડાયેલી કેનેડાની સરહદે ગુજરાતી મૂળના 4 ભારતીયોના ઠંડીથી મૃત્યુ થયા છે. મૃતકો એક જ પરિવારના છે. પત્રકાર પરિષદ યોજી વડાપ્રધાન ટ્રુડોએ કહ્યું કે હૃદયને હચમચાવી દે તેવી આ ઘટના છે. કોઈ પરિવારને આ રીતે મૃત્યુ પામતાં જોવા ખૂબ જ દુ:ખદ છે. માનવ તસ્કરી..અને વધુ સારા જીવનની તેમની ખ્વાહિશનો ફાયદો ઉઠાવનારાઓના પીડિત. કેનેડાના અધિકારીઓએ બનાવને અસામાન્ય ગણાવ્યો છે કારણ કે મોટાભાગે ગેરકાયદે પ્રવાસીઓ અમેરિકાથી કેનેડામાં પ્રવેશનો પ્રયાસ કરે છે, ન કે અહીંથી ત્યાં જવાનો.
ગુરુવારે મૈનિટોબા રોયલ કેનેડિયન માઉન્ટેંડ પોલીસે જાહેર કર્યુ કે ચાર મૃતદેહ મળ્યા છે જેમાં બે વયસ્ક, એક કિશોર અને એક નાનુ બાળક છે. સ્થળ પર બાળકોના કપડાં, ડાયપર અને રમકડાં મળી આવ્યા હતા. દક્ષિણ મધ્ય મૈનિટોબામાં એમર્સન વિસ્તારમાં અમેરિકા-કેનેડા સરહદ પર કેનેડા બાજુ મૃતદેહ મળ્યા હતા. તપાસમાં સામે આવ્યુ કે આ પરિવાર ગુજરાતી છે અને કાતિલ ઠંડીની ઝપટે ચઢી જવાને કારણે તેઓ થીજી ગયા હતા. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ માટે ગુજરાત અને પંજાબથી મોટી સંખ્યામાં લોકો જતાં હોય છે. માનવ તસ્કરોની ચુંગાલમાં પહોંચ્યા બાદ તેમને લેટિન અમેરિકા અને મેક્સિકો રણના દુર્ગમ સ્થળોએથી લઈ જવાય છે જ્યાંનુ હવામાન સામાન્ય લોકો સહન કરી શકતાં નથી.
 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer