કાનપુર, તા. 22 : ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવતીકાલ 23મી જાન્યુઆરીથી બે દિવસ સુધીમાં પીક પર એટલે કે ચરમસીમાએ પહોંચી જશે.
આ પરાકાષ્ઠાના ગાળા દરમ્યાન દેશમાં દરરોજ ત્રણથી ચાર લાખ નવા દર્દી સામે આવશે. જેમાં ડેલ્ટા અને ઓમિક્રોન બન્ને વેરિઅન્ટ હશે, તેવું આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મનીન્દ્ર અગ્રવાલે જણાવ્યું છે. ગણિતીય મોડેલના આધાર પર તેમણે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં 20મી જાન્યુઆરીથી ત્રીજી લહેર ચરમસીમા પર પહોંચી ચૂકી છે.
સંક્રમિતોની સંખ્યા જે ગતિ સાથે વધશે તેટલી જ ઝડપે નહીં પણ તેનાથી બેગણી ગતિ સાથે સંક્રમણમાં ઘટાડો આવવા માંડશે તેવી ધરપત પણ તેમણે આપી હતી. દરમ્યાન શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે, બૂસ્ટર ડોઝની મદદથી કોરોનાને સરળતાપૂર્વક મહાત આપી શકાય છે. ઓમિક્રોનનો વેરિઅન્ટ ભારતમાં આવ્યો છે પરંતુ તેનાથી બીજી લહેરમાં ડેલ્ટાએ કર્યું હતું તેવું નુકસાન નહીં થાય. ઓમિક્રોન હળવો વેરિઅન્ટ હોવાની સાથે દેશમાં રસીકરણ વિક્રમી પ્રમાણમાં થઈ ચૂકયું હોવાથી ચિંતાજનક સ્થિતિ નહીં આવે.
સંક્રમિત થયાના ત્રણ મહિના પછી જ રસીની છૂટ
નવી દિલ્હી, તા. 22 : કોરોનારોધક રસી અંગે કેન્દ્રની સરકારે નિયમોમાં બદલાવ કર્યો છે, જે મુજબ હવેથી સંક્રમિત થયાના ત્રણ મહિના પછી જ કોઈ વ્યક્તિને રસીનો ડોઝ આપી શકાશે.
આ નિયમ રસીના પ્રથમ, બીજા અને પ્રિકોશન ડોઝ પર પણ લાગુ થશે. કેન્દ્ર સરકારે દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને આ નવા નિયમની જાણ કરી હતી. આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ વિકાસ શીલે રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કોવિડ પોઝિટિવ આવે તેના બરાબર ત્રણ મહિના પછી જ રસીના નિયમની વિગત આપી હતી. કેન્દ્ર સરકારના આ પત્રમાં જણાવાયું છે કે, વૈજ્ઞાનિક નિષ્કર્ષોના આધાર પર નિયમમાં બદલાવ કરાયો છે. હકીકતમાં ત્રીજી જાન્યુઆરીથી તરુણોને રસીકરણ માટે મંજૂરી અપાઈ ગઈ હતી, ત્યારબાદ આ ફેરફાર કરાયો છે.
ત્રીજી લહેર આજથી ચરમસીમા પર !
