શાખ બચાવવા મેદાનમાં ઉતરશે ભારતીય ટીમ

શાખ બચાવવા મેદાનમાં ઉતરશે ભારતીય ટીમ
આજે છેલ્લો વન-ડે : જયંત યાદવ અને દીપક ચાહરને તક મળે તેવી શક્યતા
નવી દિલ્હી, તા. 22 : પહેલા બે મેચમાં હાર બાદ હવે ક્લીન સ્વીપથી બચવાની કવાયતમાં લાગેલી ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે દક્ષિણ આફ્રિકા સામે શ્રેણીના ત્રીજા અને અંતિમ વનડેમાં અમુક બદલાવો સાથે મેદાનમાં ઉતરી શકે છે. પહેલા બન્ને મેચમાં ભારતીય ટીમની રણનીતિ વિફળ રહી હતી. બેટ્સમેનો મોટી ભાગીદારી નિભાવવામાં નાકામ રહ્યા હતા. જ્યારે જસપ્રીત બુમરાહને છોડીને બાકીના બોલરોનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું.
આ બન્ને મેચમાં ભારતીય બોલરો માત્ર સાત વિકેટ લઈ શક્યા હતા. પહેલા મેચમાં ચાર અને બીજા મેચમાં ત્રણ વિકેટ મળી હતી. રવિચંદ્રન અશ્વિન અને ભુવનેશ્વર કુમાર જેવા અનુભવી બોલરો કોઈપણ સમયે વાન ડર ડુસેન, મલાન અને ક્વિંટન ડિકોક જેવા દક્ષિણ આફ્રિકન બેટ્સમેન સામે પડકાર મુકી શક્યા નહોતા.
પહેલા બે મેચની અસફળતા બાદ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ત્રીજા મેચમાં દીપક ચાહર અને જયંત યાદવને મેદાનમાં ઉતારી શકે છે. પહેલા બે મેચ બોલેન્ડ પાર્કમાં રમાયા હતા. જ્યાં ઓછી તેજી અને ઉછાળ મળે છે. તેમજ કેપ્ટન કેએલ રાહુલે પણ સ્વીકાર્યું હતું કે, મેદાનની પરિસ્થિતિ ઘણા હદે ઘરેલુ વાતાવરણ જેવી છે. તેમ છતા ભારતીય ટીમની નાકામી ચિંતાનો વિષય છે. ન્યુલેન્ડસમાં વધારે તેજી અને ઉછાળની શક્યતા છે પણ ભારતીય ટીમ 0-3થી શ્રેણી ગુમાવવાથી બચવા કોઈ કસર છોડશે નહી.
કેપ્ટન રાહુલ માટે પહેલા ટેસ્ટમા સદી છોડીને પ્રવાસ યાદગાર રહ્યો નથી. રાહુલને ભવિષ્યનો કેપ્ટન માનવામાં આવે છે પણ તે પોતાના નેતૃત્વ કૌશલ્યથી પ્રભાવિત કરી શક્યો નથી. પહેલા બે મેચમાં કેપ્ટનશિપ ઉપરાંત બેટથી પણ રાહુલે નિરાશ કર્યા છે. તેવામાં રોહિત શર્માની વાપસી ઉપર રાહુલે શિર્ષ ક્રમે પોતાનું સ્થાન ગુમાવવુ પડી શકે છે. કારણ કે શિખર ધવન સારા ફોર્મમાં છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer