મોરબી, તા.રર : મોરબીના લીલાપર ગામે શક્તિ માતાજીના મંદિર પાસે રહેતા અને મજૂરી કામ કરતા બિપીનભાઈ મલાભાઈ રાઠોડ નામના યુવાને મોરબીના રબારીવાસમાં રહેતા દેવા દિલા રબારી નામના શખસ વિરૂદ્ધ પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વ્યાજખોર દેવા રબારી વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.
આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં બિપીન રાઠોડના પુત્ર પ્રતિકને કફની બીમારી હોય રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો અને નાણાની જરુર પડતા બિપીને તેના કાકાજી સસરા જેનીશભાઈની ઓળખાણથી મોરબીના રબારીવાસમાં રહેતા દેવા દિલા રબારી પાસેથી રૂ.1 લાખની રકમ ર4 ટકા વ્યાજે લીધી હતી અને દર દસ દિવસે રૂ. 8 હજાર વ્યાજ ચુકવતો હતો. બાદમાં વધુ નાણાની જરૂર પડતા રૂ.પ0 હજાર વ્યાજે લીધા હતા અને આર્થિક ભીંસના કારણે થોડા સમયથી વ્યાજ નહીં ચુકવી શકતા વ્યાજખોર દેવા રબારીએ રૂ.1.80 લાખની રકમની માગણી કરી મારી નાખવાની ધમકી આપી હતી.પોલીસે વ્યાજખોરની શોધખોળ શરૂ કરી હતી.