દુર્ઘટનામાં સુરત સૌમ્યા મિલના ડાયરેક્ટર, નાઈટ ઇન્ચાર્જ અને સુપરવાઇઝરની ધરપકડ
સુરત, તા.22 : સુરત નજીકના પલસાણામાં આવેલી સૌમ્યા પ્રોસેંસિગ પ્રાઈવેટ લિમિટેડ મિલમાં ગઈકાલે લાગેલી ભીષણ આગની દુર્ઘટનામાં ત્રણ યુવાનના મૃત્યુ નીપજ્યા હતા. આ ઘટનામાં મિલના સંચાલકોની બેદરકારી સામે આવતા પોલીસે મિલના ડાયરેક્ટર, નાઈટ ઈનચાર્જ, સુપરવાઈઝર વિરુદ્વ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.
પલસાણા ખાતે આવેલી સૌમ્યા પ્રોસેંસિગ પ્રાઈવેટ લિમિટેડ મિલમાં ગુરુવારની વહેલી સવારે 3:30 વાગ્યાના સુમારે લાગેલી ભીષણ આગમાં મીલમાં હાજર મૂળ રાજસ્થાન જોધપુરના વતની જગદીશભાઈ રાણારામ સુથાર(ઉં.વ.20), પ્રવીણ રાણારામ સુથાર(ઉં.વ.18) તથા પ્રવીણ ઉર્ફે કન્નારામ ઉમેદરામ સુથાર(ઉં.વ.27) તમામ રહે. 304, પ્રાઇમ પોઇન્ટ, વડોદગામ, અમરોલી, સુરતનાઓ જીવતા આગની લપેટમાં ભુજાઈ ગયા હતા અને ત્રણેયના મૃત્યુ નીપજ્યા હતા. આ ઘટનામાં મીલના ડાયરેક્ટર અનુપ બ્રિજમોહન અગ્રવાલ તથા નાઈટ ઈનચાર્જ ગણેશપ્રસાદ શ્રીરામ સુમીરન દ્વીવેદી તથા સુપરવાઈઝર મનીષ ઓમપ્રકાશ શર્માની મીલમાં મૃતકોની રાત્રી વસવાટ કરવાની ગંભીર બેદરકારી સામે આવી હતી. આથી તેઓ વિરુદ્વ પલસાણા પોલીસમાં ગુનો દાખલ કરી ત્રણેય સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ધરપકડ કરવામાં આવી છે.