ગોંડલ નજીક ટેન્કરમાંથી 2 હજાર લિટર ગેરકાયદે બાયોડીઝલ ઝડપાયું

આરોપી ટેમ્પોમાં ટાંકો બેસાડી ફ્યૂઅલ પમ્પ ફીટ કરી બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ કરતો હતો
રાજકોટ, તા.22 : ગેરકાયદે બાયોડીઝલના વેચાણ અને સંગ્રહને અટકાવી કડક કાર્યવાહી કરવા રાજ્ય સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે. આમ છતાં પણ રાજકોટ જિલ્લામાં ફરી ગેરકાયદે બાયોડીઝલનો વેપલો શરૂ થઇ ગયો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ પાસે ટેન્કરમાં ટેન્ક ફીટ કરી બાયોડીઝલનું વેચાણ કરતા એક શખસની પોલીસે ધરપકડ કરી તેની પાસેથી 2000 લીટર બાયોડીઝલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોંડલ સિટી પોલીસનો સ્ટાફ પેટ્રાલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, રવિ મનસુખભાઇ બેચરા નામનો શખસ ગોંડલ જામવાડી જીઆઈડીસી નજીક જય સિયારામ વે-િબ્રજ પાસે આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં ટાટા કંપનીના વાહનમાં ટાંકો બેસાડી તેમાં ઇલેક્ટ્રિક પમ્પ ફીટ કરી ગેરકાયદેસર રીતે પેટ્રોલિયમ જ્વલનશીલ પદાર્થના જથ્થાનું વેચાણ કરી રહ્યો છે. જેના આધારે ગોંડલ સિટી પોલીસે રેડ પાડી હતી. આ દરમિયાન ટાટા કંપનીનું  વાહન જીજે-10-ટીટી 5529માં ઇલેક્ટ્રિક ફ્યૂલ પમ્પ ફીટ કરી તેમાં આશરે 3500 લિટરના ટાંકામાંથી 2000 લીટર જેટલો શંકાસ્પદ પેટ્રોલિયમ જ્વલનશીલ પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. હાલ પોલીસે ટાટા કંપનીનું વાહન કિં. રૂ.4,00,000 તથા શંકાસ્પદ પેટ્રોલિયમ જ્વલનશીલ પદાર્થ કિં. રૂ.1,44,000 તથા ફ્યુઅલ પમ્પ કિં. રૂ.35,000 મળી કુલ 5,79,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલા આરોપી રવિ બેચરાની પૂછપરછ કરતા આ બાયોડીઝલનો જથ્થો વિજય ટોળીયા અને રેનિસ અમૃતિયાનો હોવાનું નિવેદન આપ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer