જામનગરના હાપા યાર્ડ પાસે વૃધ્ધની હત્યા

ઘેટા-બકરા ચોરવા આવેલા શખસોનું કૃત્ય: પોલીસે હત્યારાઓની આરંભી શોધખોળ
જામનગર, તા.22 : જામનગરના હાપામાં સામતપીર વિસ્તારમાં રહેતા ભરવાડ વૃધ્ધ ગઈકાલે મોડી સાંજે હાપા યાર્ડ પાછળના ભાગમાં ઘેટા-બકરા ચરાવતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખસોએ તેના પર હથિયાર વડે હુમલો કરતા વૃધ્ધ ગંભીર રીતે ઘવાતા તેમને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું સારવાર દરમિયાન હત્યામાં પલટાયેલા આ બનાવની જાણ થતા પોલીસે તાત્કાલીક તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા છે.
હાપાના સામતપીર વિસ્તારમાં રહેતા ખેતાભાઈ હકાભાઈ ચાવડીયા નામના 70 વર્ષના વૃધ્ધ ગઈકાલે સાંજે હાપા યાર્ડની પાછળની સાઈટ પર પોતાના ઘેટા-બકરા ચરાવતા હતા આ વેળાએ અજાણ્યા શખસો મોટરસાયકલમાં આવી પહોંચ્યા હતાં. ખેતાભાઈ ઉપર હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હિંચકારા હુમલામાં ઘવાયેલા ખેતાભાઈ લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી પડયા હતાં. જયારે અલગ-અલગ મોટર સાયકલમાં આવેલા શખસો ઘેટા-બકરાની ઉઠાંતરી કરી નાસી છૂટયા હતાં.
દરમિયાન ઘવાયેલા ખેતાભાઈને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં ખેતાભાઈને સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું. આ બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ પ્રાથમિક માહિતી મેળવી હતી. જેમાં સ્થાનિક રહેવાસીઓએ બાઈક પર ઘેટા-બકરા લઈને જતા શખસોને નિહાળ્યા હોવાની બાબતો પ્રકાશમાં આવતા પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer