સૈયદ મોદી ઇન્ટરનેશનલમાં સિંધુ સેમિ ફાઇનલમાં

સૈયદ મોદી ઇન્ટરનેશનલમાં સિંધુ સેમિ ફાઇનલમાં
લખનઉ, તા.21: ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ સૈયદ મોદી ઇન્ટરનેશનલ સુપર-પ00 ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલમાં પહોંચી ગઇ છે. કવાર્ટર ફાઇનલની રોચક ટકકરમાં સિંધુએ થાઇલેન્ડની ખેલાડી સુપનિદા કટેથોંગને 6પ મિનિટમાં 11-21, 21-12 અને 21-17થી હાર આપી હતી. પહેલી ગેમ થાઇ ખેલાડી સામે આસાનીથી હારી જનાર અનુભવી ભારતીય શટલર પીવી સિંધુએ શાનદાર વાપસી કરીને બાકીને બે ગેમ જીતીને સેમિમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. આ જીત સાથે સિંધુએ ઇન્ડિયા ઓપનમાં આ થાઇ ખેલાડી સુપનિદા સામે સેમિ ફાઇનલમાં મળેલી હારનો હિસાબ પણ ચૂકતે કર્યોં હતો. સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલમાં સિંધુની ટકકર પાંચમા ક્રમની રૂસી ખેલાડી એવગેનિયા કોસેટસકાયા સામે થશે. આ મેચ શનિવારે રમાશે.
પુરુષ વર્ગમાં એચએસ પ્રણોય કવાર્ટર ફાઇનલમાં હારી ગયો હતો. તેને ફ્રાંસના ખેલાડી અર્નોડ મર્કલે 21-19 અને 21-16થી હાર આપી હતી. જો કે મિથૂન મંજુનાથે રૂસી ખેલાડી સરગે સિરાંતને 11-21, 21-12 અને 21-18થી હાર આપીને અંતિમ ચારમાં જગ્યા બનાવી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer