નિષ્ણાંતોએ ગણાવ્યા ટેકનીકલ કારણો, યોગ્ય રીતે અને યોગ્ય સમયે સેમ્પલ લેવાય તે જરુરી
નવી દિલ્હી, તા.ર1 : દેશમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહયા છે. સામાન્ય રીતે એવું જોવા મળી રહ્યું છે કે પરિવારના કોઈ એક સદસ્યને કોરોના સંક્રમણ થાય એટલે બાકીના સદસ્યોને પણ લક્ષણો જોવા મળે છે. જો કે જયારે બાકીના સદસ્યો રિપોર્ટ કરાવે તો તે નેગેટિવ આવે છે.
આવું થવા પાછળ નિષ્ણાંતો કહે છે કે આરટીપીસીઆર પરીક્ષણ અમુક લોકોમાં પોઝિટિવ અને બીજામાં નેગેટિવ સામે આવે છે, ભલે પછી લક્ષણો સમાન હોય.ઈન્ડિયન સ્પાઈનલ ઈંઝરીઝ સેન્ટરના ડો.વિજય દત્તા કહે છે કે એક પરિવારમાં કેટલાક સદસ્યો આરટીપીસીઆર ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવે છે જ્યારે પરિવારના જ અન્ય સદસ્યોને લક્ષણો હોવા છતાં રિપોર્ટ નેગેટિવ આવતો હોવાનું જોવા મળે છે. આની પાછળનું એક મુખ્ય કારણ સેમ્પલ લેવામાં ભૂલ પણ હોઈ શકે છે. જો સેમ્પલ લેવાની યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવે અને તેને ર-પ ડિગ્રી સે.તાપમાન પર રાખીને લેવામાં આવે તો રિપોર્ટ પોઝિટિવ આવી શકે છે. વીપી માઈક્રોબાયોલોજિસ્ટ જેનેસ્ટ્રિંગ ડાયગ્નોસ્ટિકના ડો.અલ્પના રાજદાન અનુસાર, જો સ્વાબ યોગ્ય રીતે લેવામાં નથી આવ્યું અથવા સેમ્પલ લેતી વખતે સ્વાબમાં યોગ્ય માત્રામાં વાયરલ પાર્ટીકલ્સ લેવામાં ન આવે તો ટેસ્ટ નેગેટિવ આવી શકે છે.
કોરોનાના કેસમાં ઈન્કયૂબેશન ખૂબ મહત્ત્વનું હોય છે. વાયરસ જ્યારે શરીરમાં જાય છે તો વિકસીત થવામાં કેટલોક સમય લાગે છે. જ્યારે કોરોના ટેસ્ટ કરાવવામાં આવે ત્યારે વાયરસ ઈન્કયૂબેશન સ્થિતિમાં હોય તો રિપોર્ટ નેગેટિવ આવી શકે છે. આઈએમ કોચી કેરળના કોવિડ ટાસ્ક ફોર્સના સદસ્ય ડો.રાજીવ અનુસાર, ઓમિક્રોનમાં વાયરસના લક્ષણો દેખાવામાં સામાન્ય રીતે 3 થી 6 દિવસનો સમય લાગે છે. જો લક્ષણના પહેલા દિવસે ટેસ્ટ કરાવવામાં આવે તો રિપોર્ટ નેગેટિવ આવી શકે છે.ઈન્કયૂબેશનનો સમય સામાન્ય રીતે 4-6 દિવસનો હોય છે. લક્ષણો શરુ થયાના 6 દિવસ બાદ ટેસ્ટ કરાવવાનો સમય એકદમ યોગ્ય માનવામાં આવે છે.
----------------
હિમાલય પાસે મળતું ફૂલ બનશે કોરોનાનો ઈલાજ
બુરાંશ નામનું ફૂલ કોરોનાને રોકવામાં સક્ષમ હોવાનો પ્રાથમિક અભ્યાસ
નવી દિલ્હી, તા. 21 : હિમાલયી ક્ષેત્રમાં મળી આવતું બુરાંશ નામનું ફૂલ કોરોના સંક્રમણનો ઈલાજ બની શકે છે. હિમાચલ પ્રદેશના મંડી જીલ્લામાં સ્થિત આઈઆઈટીની શોધમાં આ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બુરાંશનું વૈજ્ઞાનિક નામ રોડેડ્રેંડ્રોન અર્બોરિયમ છે. આ ફૂલના અર્કનો ઉપયોગ પહાડ ઉપર રહેતા લોકો પીવામાં કરે છે. જેને જ્યુસ તરીકે ઉપયોગમાં લેવામાં આવી છે અને ખાસ કરીને ગરમીની ઋતુમાં લોકો તેને ખૂબ જ પસંદ કરે છે. હવે બુરાંશને લઈને વૈજ્ઞાનિકોએ નવી શોધ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બુરાંશના અર્કે કોરોના વાયરસને બનતો અટકાવ્યો છે.
લક્ષણો છતાં કોરોના ટેસ્ટ નેગેટિવ કેમ ?
