રુ.8 લાખની આવક મર્યાદા અંગે વિચાર કરવામાં આવશે, સાધારણ આવક મર્યાદાનો નિયમ ઘડવા સૂચન
નવી દિલ્હી, તા.ર1 : આર્થિક રીતે નબળા વર્ગો માટે લાગૂ ઈડબલ્યુએસ અનામત પર સુપ્રીમ કોર્ટ માર્ચમાં સુનાવણી કરશે. સર્વોચ્ચ અદાલત તરફથી આ કવોટા મામલે નક્કી કરવામાં આવેલી રુ.8 લાખની આવક મર્યાદાની સમીક્ષા કરવામાં આવશે.
જેથી કોર્ટ દ્વારા જો આ મામલે કોઈ ફેંસલો આપવામાં આવશે તો ઈડબલ્યુએસ અનામત કવોટાનો લાભ લેનારા વર્ગને આંચકો લાગી શકે છે. સુપ્રીમે કેન્દ્ર સરકારને 8 લાખની આવક મર્યાદાને અવ્યવહારીક ગણાંવતા સમીક્ષાની વાત કરી હતી. જેથી કેન્દ્ર સરકાર દ્વારા એક પેનલ ઘડવામાં આવી હતી, જેણે આને યોગ્ય ઠેરવ્યું હતુ. હાલ રુ.8 લાખની આવક મર્યાદામાં પગાર, ખેતીની આવક સહિત આવકના અન્ય ત્રોત સામેલ છે. સુપ્રીમની ભલામણને આધારે ઘડવામાં આવેલી પાંડેય કમિટીએ કહ્યું હતુ કે જો હાલ તેમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો તો પછી મેડિકલમાં પ્રવેશ લેવા જઈ રહેલા છાત્રોને તેની અસર થશે. તે તેમના કરિયરની દ્રષ્ટિએ યોગ્ય નહીં ગણાય. નીટમાં ઓલ ઈન્ડિયા લેવલે કેન્દ્ર સરકારે ર7 ટકા ઓબીસી અનામત અને 10 ટકા ઈડબલ્યુએસ અનામત લાગૂ કરી છે. જો કે હાલ થવા જઈ રહેલા નીટ કાઉન્સેલિંગમાં સુપ્રીમના ફેંસલાની કોઈ અસર નહીં થાય.
પાંડેય કમિટીનું કહેવુ છે કે ઓબીસી કવોટા હેઠળ ક્રિમી લેયરની જે આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે તેવો જ નિયમ આમાં પણ લાગૂ છે. જેથી ભૂલ માની ન શકાય.ઉપરાંત કમિટિએ સૂચન કર્યુ કે જો મર્યાદા ઘટાડવામાં આવશે તો પછી ઘણાં યોગ્ય ઉમેદવારોને તેનો લાભ મળી શકશે નહીં. જયારે કેટલાક એવા ઉમેદવારો પણ આવી શકે છે, જે તે માટે લાયક નથી. જેથી ઈડબલ્યુએસ કવોટા માટે એક સાધારણ આવક મર્યાદાનો નિયમ નિર્ધારીત કરવી જોઈએ. તેમાં ઘટાડો કરવો યોગ્ય નથી. આવા દરેક મુદા પર સુપ્રીમ કોર્ટ માર્ચમાં વિચાર કરીને ફેંસલો જાહેર કરશે.
EWS અનામત : માર્ચમાં સુપ્રીમ કરશે ફેંસલો
