સુરતમાં ઠગ કંપનીએ વેપારી, તેના સંબંધીઓના રૂ.7.35 લાખ ચાંઉ કર્યા

સુરત, તા. 21: શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ રામીપાર્ક પાસે રિઝન્ટ પ્લાઝામાં આવેલ આર.ઇ ગોલ્ડ નામની કંપનીએ લાખ્ખો રૂપિયાનું ઉઠમણું કરી કંપનીના માલિક પિતા પુત્ર ફરાર થઇ ગયા છે. આ કંપનીના માલિક પિતા-પુત્રએ લોકોને વિવિધ લોભામણી સ્કીમો બહાર પાડી સંખ્યાબંધ લોકો પાસે રોકાણ કરાવ્યા બાદ પાડતી મુદ્દતે પેમેન્ટ નહી આપી ઉમઠણું કરી ફરાર થઇ ગઇ ગયા હતા. જો કે બાદમાં ઠગાઇનો ભોગ બનેલા લોકોએ હવે પોલીસનું શરણું લેવાનું શરૂ કર્યું છે. બે દિવસ પહેલા જ ડિંડોલીમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ગતરોજ સાડીના વેપારીએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેના તથા સંબંધીઓના 7.35 લાખ ફસાયા હોવાનું જણાવ્યું હતું. આગામી દિવસોમાં હજુ આંકડો વધે તો નવાઇ નહીં. 
પાંડેસરા ચીકુવાડી આવીર્ભાવ સોસાયટીમાં રહેતા અને સાડીનો ધંધો કરતાં 37 વર્ષના મોહન આંનદા પાટીલ અને તેના સગાસંબંધીઓએ ડિંડોલી રામીપાર્ક પાસે રિઝન્ટ પ્લાઝામાં બીજા માળે આવેલ આર.ઇ ગોલ્ડ નામની કંપનીના સંચાલક ડિંડોલીના ડ્રીમવિલા રેસીડન્સીમાં રહેતાં  અજય ચીરંજીલાલ કઠેરીયા અને તેનો પુત્ર આકાશ અજય કઠેરીયા  દ્વારા બહાર પાડવામાં આવેલ વિવિધ પ્રકારની લલચામણી અને લોભામણી સ્કીમમાં રોકાણ કર્યું હતું. જેમાં રૂપિયા 26,400ની સ્કીમમાં ત્રણ મહિના બાદ રૂપિયા 80 હજાર અને ડાયમંડ રોયલ્ટી પેકેજવાળી ક્રીમમાં રૂપિયા 1,55,000નું રોકાણ કર્યું હતું. આરોપીઓએ શરૂઆતમાં રોકાણકારોને વિશ્વાસમાં લેવા માટે સમયસર ત્રણ મહિનામાં સ્કીમ મુજબ પૈસા ચુકવી સંપાદન કર્યો હતો. ત્યાર બાદ મોહન પાટીલ તેમજ સગાસંબંધી પાસે મળી કુલ રૂપિયા 7,35,800નું રોકાણ કર્યું હતું. મોહન ઉપરાંત અનેક લોકો પાસે રોકાણ કરાવ્યા બાદ પાકતી મુદ્દતે પેમેન્ટ નહી આપી છેતરાપિંડી કરી હતી. પોલીસે મોહન પાટીલની ફરિયાદ લઇ આરોપી પિતા-પુત્ર સામે રૂપિયા 7,35,800ની છેતરાપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.    

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer