અમદાવાદની ગૂમ યુવતી માટે ખંડણીનો ફોન આવ્યો

અમદાવાદ, તા.21:  શહેરનાં સોલાના ચાણકયપુરી વિસ્તારમાં રહેતી એક યુવતી 20 દિવસ પહેલાંથી ગૂમ છે ત્યારે યુવતી માટે ખંડણી માંગતો એક ફોન કોલ તેનાં પિતાને આવે છે અને તે બે લાખ રૂપિયા પિતા પાસે માંગે છે. આ યુવતી બીજી વખત તેનાં ઘરેથી ભાગી ગઇ હોવાથી પોલીસ પણ આ ઘટનામાં હવે ગોથા ખાઇ રહી છે. અત્યાર સુધી સોને હતું કે યુવતી ઘર છોડીને જતી રહી છે કે પછી ખરેખરમાં તેને કોઇએ અગવા કરી છે તે દિશામાં તેની શોધખોળ થઇ રહી હતી.
ચાણકયપુરીમાં રહેતા એક વેપારીની પુત્રી તા. 26 ડીસેમ્બરે પિતા ઘરે આવ્યા ત્યારે દુકાને જાઊં છું તેમ કહીને ઘરેથી નીકળી હતી. સાંજે છ વાગ્યા સુધી પુત્રી પાછી ન ફરતાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તા. 27 ડીસેમ્બરે પુત્રી ગુમ થયાની ખબર સોલા પોલીસમાં કરવામાં આવી હતી. આ ઘટનાનાં વીસ દિવસ પછી તા. 18 જાન્યુઆરીએ રાતે આઠ વાગ્યે યુવતીના પિતાના મોબાઈલ ફોન ઉપર અજાણ્યા મોબાઈલ નંબર પરથી  ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તુમ્હારી લડકી મેરે પાસ હૈ, તુમ મેરે મોબાઈલ નંબર પર દો લાખ રૂપિયા ભેજ દો. આ પછી ટેક્સ મેસેજ કરી મોબાઈલ નંબર આપી તેમાં બે લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. પોતે રાજસ્થાનથી બોલે છે તેવી વાત કરી બે લાખ રૂપિયા મોકલો પછી છોકરીનો ફોટો મોકલીશ તેવી વાત કરી હતી. આખરે, સોલા પલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુવતીને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખી મુક્તિની રકમ માગવા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સોલા પોલીસનું કહેવું છે કે, યુવતી અગાઉ પણ એક વખત ઘર છોડીને જતી રહી હતી. આ સંજોગોમાં પૈસા માગવાનું કૃત્ય યુવતીનું છે કે પછી ખરેખર અપહરણ કરી ખંડણી માગવામાં આવી છે તે અંગે તપાસ ચાલે છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer